સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ઘરેલુ બજારમાં પહેલીવાર સોનું 90,846 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે 3,175 ડોલર પ્રતિ ઔંસના નવા ઉચ્ચતમ સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું. ગોલ્ડ સ્પોટનો ભાવ પણ પહેલીવાર 3100 ડોલર પાર ગયો. માત્ર એક મહિનાથી પણ ઓછા સમયમાં સોનું 3000 ડોલરથી 3100 ડોલર સુધી પહોંચી ગયું છે. જેનાથી રોકાણકારો આ સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા હોવાનો સંકેત મળે છે.
સોના ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,802 રૂપિયા ઉછળીને 90,966 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે શુક્રવારે જ્યારે બજાર બંધ થયું તો 89,164 રૂપિયા પર જોવા મળ્યું હતું. સોમવારે જાહેર રજા હોવાથી નવા ભાવ એસોસિએશન દ્વારા જાહેર થયા નહતા. ચાંદીની વાત કરીએ તો ચાંદીની ચમક આજે ઘટી છે અને 1,060 રૂપિયા ગગડીને ચાંદી 99,832 રૂપિયાના સ્તરે જોવા મળી છે. જે શુક્રવારે 1,00,892 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
કેમ વધી રહ્યો છે સોનાનો ભાવ
આ વર્ષની શરૂાતથી અત્યાર સુધીમાં સોનામાં લગભગ 18%ની તેજી જોવા મળી છે. તેનું પ્રમુખ કારણ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, અમેરિકા-ચીન વેપાર તણાવ અને જિયો પોલીટિકલ અસ્થિરતા છે. 2 એપ્રિલથી અમેરિકા તરફથી રેસિપ્રોકલ ટેરિફ લાગૂ થવાની શક્યતા છે. જેનાથી વેપારી માહોલ અસ્થિર બની શકે છે. આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ચાલુ તણાવે પણ રોકાણકારોને સોના પ્રત્યે ખેંચ્યા છે.
દુનિયાભરની કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. ચીન, રશિયા અને ભારત જેવા દેશોની કેન્દ્રીય બેંકો પોતાના ભંડારને મજબૂત કરવા માટે સોનાનો સ્ટોક વધારી રહી છે. જેનાથી સોનાની માંગ વધી છે. આ ઉપરાંત ગોલ્ડ એક્સચેન્જ- ટ્રેડેડ ફંડ(ETF) માં પણ રોકાણકારોનો રસ વધ્યો છે. જેનાથી સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે.
અમેરિકી શેર બજારમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના સંભવિત ટેરિફ પહેલા ડાઓ જોન્સ બે દિવસમાં 300 અંક ગગડ્યો. જ્યારે નાસ્ડેક 500 અંકના કડાકા સાથે સાત મહિનાના નીચલા સ્તર પર બંધ થયો. રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા ઘટવાથી સોનામાં પૈસા જઈ રહ્યા છે જેનાથી તેના ભાવ સતત વધી રહ્યા છે. સોના ઉપરાંત ચાંદી અને ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ હલચલ છે. ચાંદીનો ભાવ 450 રૂપિયા તૂટીને એક લાખ નજીક પહોંચ્યો છે. જ્યારે સપ્લાયની ચિંતાઓના પગલે ક્રૂડ ઓઈલ 3 ટકા ઉછળીને 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ જોવા મળ્યું છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે