Nayara Energy Ban : યુરોપિયન યુનિયન (EU) એ ગુજરાતની રિફાઈનરી કંપની નાયરા એનર્જી પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ EUના નિર્ણયની આકરી ટીકા કરી છે, તેને "પાયાવિહોણી અને એકપક્ષીય" ગણાવી છે. નાયરા એનર્જીએ કહ્યું છે કે તે આ નિર્ણયને પડકારવા માટે તમામ કાયદાકીય અને યોગ્ય વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. નાયરા એનર્જી, જે અગાઉ એસ્સાર ઓઇલ તરીકે જાણીતી હતી, હવે એક આંતરરાષ્ટ્રીય રોકાણ જૂથ હેઠળ છે, જેમાં રશિયન કંપનીઓ રોઝનેફ્ટ અને કસાની એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે. રોઝનેફ્ટનો તેમાં 49 ટકા હિસ્સો છે. રશિયન કંપનીના મોટા હિસ્સાને કારણે EU એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. નાયરા એનર્જીએ સ્પષ્ટતા કરી છે કે તેના રોકાણકારો વિદેશી હોવા છતાં તે સંપૂર્ણપણે ભારતીય કંપની છે અને ભારતીય કાયદાઓ હેઠળ કાર્ય કરે છે.
નાયરા એનર્જી ગુજરાતના વાડીનારમાં વાર્ષિક 20 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી ઓઈલ રિફાઇનરી ચલાવે છે. કંપનીના દેશભરમાં લગભગ 6,800 ઇંધણ આઉટલેટ્સ છે. નાયરા ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના 8% અને ઇંધણ રિટેલ નેટવર્કના 7%નું સંચાલન કરે છે. તે દેશભરમાં 55,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ કર્મચારીઓને રોજગારી આપે છે. કંપનીએ આગ્રહ કર્યો હતો કે, તેના તમામ વ્યવસાયિક કાર્યો સામાન્ય રીતે ચાલી રહ્યા છે અને વ્યવસાયમાં કોઈપણ વિક્ષેપ ટાળવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. રવિવારે, રોઝનેફ્ટે પણ EU પ્રતિબંધને "ગેરકાયદેસર અને અન્યાયી" ગણાવ્યો.
શુક્રવારે, યુરોપિયન યુનિયને રશિયા પર દબાણ વધારવાના ઉદ્દેશ્યથી નાયરા એનર્જી પર પ્રતિબંધની જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે, રશિયન તેલ કંપની રોઝનેફ્ટનો આ કંપનીમાં 49.13% હિસ્સો છે. આ EU ની નવી વ્યૂહરચનાનો એક ભાગ છે, જેના હેઠળ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે આર્થિક દબાણ વધારવામાં આવી રહ્યું છે.
EU એ ત્રીજા દેશોમાંથી રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા ઇંધણની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને સમુદ્ર દ્વારા આવતા રશિયન તેલની કિંમત મર્યાદા $60 થી ઘટાડીને $47.6 પ્રતિ બેરલ કરી છે. આ પગલું રશિયાના તેલ નિકાસમાંથી થતી આવકને મર્યાદિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.
શું અસર થશે?
આ પ્રતિબંધને કારણે, નયારા એનર્જી હવે યુરોપમાં પેટ્રોલિયમ ઉત્પાદનો નિકાસ કરી શકશે નહીં. ઉપરાંત, યુરોપિયન કંપનીઓ સાથેના તેના વ્યવસાયિક સંબંધોને પણ અસર થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આ પ્રતિબંધ રોઝનેફ્ટની નાયરામાંથી બહાર નીકળવાની યોજનાને પણ ઝટકો આપી શકે છે, કારણ કે સંભવિત રોકાણકારો હવે સાવધ રહી શકે છે.
ભારતમાં 8 વર્ષમાં 14000 કરોડનું રોકાણ કર્યું છે
નાયરા એનર્જીએ ઓગસ્ટ 2017 થી ભારત સરકારને ₹2.5 લાખ કરોડથી વધુનો પ્રત્યક્ષ અને પરોક્ષ કર ચૂકવ્યો છે. આ ઉપરાંત, તેણે છેલ્લા 8 વર્ષમાં ₹14,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે અને આગામી વર્ષોમાં ₹70,000 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જે પેટ્રોકેમિકલ્સ, ઇથેનોલ ઉત્પાદન અને ઇંધણ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે.
કંપનીએ દાવો કર્યો હતો કે તેની કામગીરી સંપૂર્ણપણે સરળ છે અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર થતી નથી. નાયરા ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના 8% અને ઇંધણ રિટેલ નેટવર્કના 7%નું સંચાલન કરે છે. તે દેશભરમાં 55,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ કર્મચારીઓને રોજગારી આપે છે.
નાયરા એનર્જીનો વળતો પ્રહાર
નાયરા એનર્જીએ EUના આ પગલાને ભારતની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જ્યારે ઘણા યુરોપિયન દેશો હજુ પણ વિવિધ માધ્યમો દ્વારા રશિયન ઊર્જા આયાત કરી રહ્યા છે, ત્યારે તેઓ નૈતિકતાનો હવાલો આપીને એક ભારતીય કંપનીને નિશાન બનાવી રહ્યા છે, જે રશિયન ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરીને દેશની 1.4 અબજ વસ્તીની જરૂરિયાતો પૂરી કરી રહી છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે