500 rupee notes: સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટોને લઈ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. ઘણા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક પોસ્ટ અને ફોરવર્ડ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026 થી 500 રૂપિયાની નોટો બેન કરાવામાં આવશે અને ધીમે ધીમે આ નોટો ATMમાંથી બહાર આવવાનું બંધ થઈ જશે. આ દાવાઓમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંકે તમામ બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં તેમના ATMમાંથી 500 રૂપિયાની નોટો કાઢવાનું શરૂ કરવા સૂચનાઓ જાહેર કરી છે અને માર્ચ 2026 સુધીમાં 90% ATMમાંથી આ નોટો સંપૂર્ણપણે દૂર કરી દેવી જોઈએ. આવા સંદેશાઓએ સામાન્ય લોકોમાં ચિંતા અને મૂંઝવણનું વાતાવરણ ઉભું કર્યું છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું હવે તેમણે તેમની પાસે રહેલી 500 રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે ખર્ચ કરવી જોઈએ? પરંતુ હવે આ વાયરલ સમાચાર પર સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે.
PIB ફેક્ટ ચેકે ખુલાસો કર્યો
ભારત સરકારની સત્તાવાર ફેક્ટ ચેક એજન્સી, PIB ફેક્ટ ચેકે આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં, PIB એ સ્પષ્ટ કર્યું કે રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાનો કે ATM માંથી તેને દૂર કરવાનો કોઈ આદેશ જાહેર કર્યો નથી. PIB એ સ્પષ્ટપણે કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. 500 રૂપિયાની નોટ હજુ પણ સંપૂર્ણપણે કાયદેસર છે અને તેનો ઉપયોગ કોઈપણ ખચકાટ વિના વ્યવહારોમાં કરી શકાય છે.
વાયરલ મેસેજ કેવો હતો?
સોશિયલ મીડિયા પર ફેલાયેલો આ નકલી મેસેજ કંઈક આવો હતો: RBI એ બધી બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 75% ATM માંથી 500 રૂપિયાની નોટો દૂર કરવા અને 31 માર્ચ 2026 સુધીમાં 90% ATM માંથી આ નોટો સંપૂર્ણપણે બંધ કરવા સૂચના આપી છે. આ પછી, ATM માંથી ફક્ત 100 અને 200 રૂપિયાની નોટો જ નીકળશે. તેથી 500 રૂપિયાની નોટો ખર્ચવાનું શરૂ કરો. આ મેસેજનો કોઈ સ્ત્રોત નથી કે કોઈ સત્તાવાર દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ નથી.
RBIની હાલની સ્થિતિ શું છે?
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2023માં 2000 રૂપિયાની નોટો ધીમે ધીમે ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને હવે તે પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ RBI દ્વારા 500 રૂપિયાની નોટ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે પગલા લેવામાં આવ્યા નથી. આનો અર્થ એ થયો કે 500 રૂપિયાની નોટ સંપૂર્ણપણે માન્ય અને પ્રચલિત ચલણ છે અને તેનો ઉપયોગ સમગ્ર દેશમાં સામાન્ય રીતે થઈ શકે છે.
PIB ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે: પુષ્ટિ વિના કોઈપણ વાયરલ મેસેજ પર વિશ્વાસ ન કરો. સત્તાવાર માહિતી માટે, ફક્ત RBI વેબસાઇટ, PIB અને અધિકૃત ન્યૂઝ પોર્ટલનો ઉપયોગ કરો. કોઈપણ શંકાસ્પદ અથવા ગેરમાર્ગે દોરતી માહિતીની જાણ PIB ફેક્ટ ચેકને કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે