નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા રણવીરે 'ગલી બોય'થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી તો હવે તે બોક્સ ઓફિસને ક્લીન બોલ્ડ કરવાની તૈયારીમાં છે. કારણ કે રણવીર પોતાની આગામી ફિલ્મ '83'માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ હવે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મથી કપિલ દેવની પુત્રી આમિયા દેવ બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહી છે.
લાંબા સમયથી ફિલ્મને લઈને ઘણા સમાચારો સામે આવ્યા છે. ડાયરેક્ટર કબીર ખાને જણાવ્યું કે, તે ફિલ્મનું શૂટિંગ ઝડપથી શરૂ કરવાના છે. પરંતુ હવે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલા માહિતી સામે આવી છે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઉફની ખબર અનુસાર આ ફિલ્મથી કપિલ દેવની પુત્રી આમિયા દેવ પર્દાપણ કરશે. પરંતુ આમિયા એક્ટિંગ ક્ષેત્રમાં નહીં પરંતુ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે.
આ વાતનો ખુલાસો ક્રિકેટર સંદીપ પાટિલના પુત્ર ચિરાગ પાટિલે કર્યો છે. ચિરાગે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમિયા આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છે. આ દિવસોમાં તે ફિલ્મની તૈયારીઓ પર નજર રાખી રહી છે. મહત્વનું છે કે, ફિલ્મ '83'માં ચિરાગ પાટિલ પણ પોતાના પિતા સંદીપ પાટિલની ભૂમિકામાં જોવા મળશે.
ક્રિકેટર સંદીપ પાટિલ અને તેમના પુત્ર ચિરાગ પાટિલ, ફોટો સાભારઃ Twitter@83
મહત્વનું છે કે, આ ફિલ્મમાં પોતાનું શાનદાર પ્રદર્શન આપવા માટે રણવીર સિંહ લાંબા સમયથી ક્રિકેટના દાવ-પેચ શીખી રહ્યો છે. રણવીરે આ કામ માટે કપિલ દેવને જ કોચ બનાવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.
આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે ચિરાગ પાટિલ, સાકિબ સલીમ, પંકજ ત્રિપાઠી, હાર્ડી સંધૂ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે