નવી દિલ્હી : હાલમાં બોલિવૂડ એક્ટર નાના પાટેકર પર એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ યૌન ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો હતો. યૌન ઉત્પીડનના આરોપ પછી નાના પાટેકરે 'હાઉસફુલ 4'થી પોતાની જાતને અલગ કરી લીધી હતી. હવે માહિતી મળી છે કે આ ફિલ્મમાં નાનાની જગ્યાએ 'બાહુબલી' ફેમ એક્ટર રાણા દુગ્ગુબાટીને સાઇન કરી લેવામાં આવ્યો છે.
મુંબઈ મિરરના સમાચાર પ્રમાણે રાણા આ ફિલ્મ માટે બહુ ખુશ છે. આ ફિલ્મ સાઇન કરવા મામલે રાણાએ કહ્યું છે કે, 'હું પહેલીવાર આ પ્રકારની ફિલ્મમાં કામ કરી રહ્યો છું. મને આ ફિલ્મમાં પહેલીવાર અક્ષયકુમાર, નડિયાદવાલા તેમજ ફરહાદ જેવા લોકો સાથે કામ કરવાની તક મળી છે. મને લાગે છે કે કામ કરવામાં મજા આવશે. આ ફિલ્મમાં હું એક ગઝલ ગાયકનો રોલ કરી રહ્યો છું.'
નાના પાટેકર-તનુશ્રી વિવાદ પછી 'હાઉસફુલ 4'ના ડિરેક્ટર સાજિદ ખાન પર ત્રણ અભિનેત્રીઓ તેમજ એક પત્રકારે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ પછી સાજિદ ખાને નૈતિક જવાબદારી લઈને ફિલ્મથી પોતાની જાતને અલગ કરી લીધી હતી. સાજિદ પછી આ ફિલ્મના ડિરેક્શનની જવાબદારી ફરહાદ સામજીને આપવામાં આવી છે. ફરહાદે આ પહેલાં 'હાઉસફુલ 3'નું ડિરેક્શન પણ કર્યું હતું. આમ, તમામ વિવાદો વચ્ચે 'હાઉસફુલ 4'નું શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે