નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની કઝિન અને એક્ટ્રેસ મીરા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરીને ધમાલ મચાવી દીધી છે. હકીકતમાં આ વીડિયો મોંઘીદાટ હોટેલોની પોલ ખોલે છે. મીરાએ શેયર કરેલા વીડિયોમાં દેખાય છે કે તેણે રૂમ સર્વિસ પાસેથી જે ભોજન મંગાવ્યું છે એમાં ઇયળો સળવળે છે.
મીરા અમદાવાદની એક હોટેલમાં રોકાઈ હતી અને શૂટિંગ માટે તે લાંબો સમય આ હોટેલમાં રહી હતી. જોકે તેને પોતાની તબિયતમાં સમસ્યા અનુભવાઈ રહી હતી. જોકે તેણે ભોજનના મુદ્દા પર ધ્યાન આવ્યું તો ખબર પડી કે તેના ભોજનમાં જીવાત હતી.
મીરાએ આ ભોજનનો વીડિયો બનાવીને એને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. તેણે કેપ્શનમાં સમગ્ર ઘટનાક્રમ લખ્યો હતો. આ સિવાય તેણે હેલ્થ સેફ્ટી નિયમ વિશે પણ સવાલ કર્યા છે.
મીરાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. લોકો તેના વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આને સરકારી તંત્રની નિંભરતા ગણાવી રહ્યા છે. થોડા સમય પહેલાં એક્ટર રાહુલ બોઝને પણ મોટી હોટેલનો કડવો અનુભવ થયો હતો. મીરા ચોપડાએ સાઉથની ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લીધી હતી. તેણે શરમન જોશીની ફિલ્મ '1920 લંડન'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હવે તે ઋચા ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્મ 'સેક્શન 375'માં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે