નવી દિલ્હી : 2019ની બે મોટી ફિલ્મો 26 જાન્યુઆરીએ સામસામે આવી રહી છે. 25 જાન્યુઆરીએ કંગના રનૌતને ઝાંસીની રાણીના રોલમાં ચમકાવતી મણિકર્ણિકા અને નવાઝુદ્દીન સિદ્દીકીને બાલ ઠાકરેના રોલમાં દર્શાવતી ઠાકરે રિલીઝ થવાની છે. આમ, શુક્રવારે આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર બની છે. આ બંને ફિલ્મો રિયલ લાઇફ પાત્રો પરથી બની રહેલી હોવાના કારણે દર્શકોમાં એને જોવા માટે આતુરતા છે.
કંગના રનૌતની ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. આ ફિલ્મ હિન્દી અને અને તેલુગુ ભાષામાં 25 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે ખાસ રોલમાં છે. ઠાકરેમાં શિવસેના સુપ્રિમો બાલાસાહેબ ઠાકરેના જીવનને આવરી લેવામાં આવ્યું છે. તેમણે કાર્ટુનિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને પછી શિવસેનાનું ગઠન કર્યું હતું. તેમનું 2012માં નિધન થઈ ગયું હતું. આ ફિલ્મ હિન્દી અને મરાઠી ભાષામાં રિલીઝ થશે.
#Manikarnika: The Queen Of Jhansi to release in over 50 countries worldwide in #Hindi, #Tamil and #Telugu... 25 Jan 2019 release. pic.twitter.com/9xNhUHZ4Yz
— taran adarsh (@taran_adarsh) January 23, 2019
ટ્રેડ પંડિતોના દાવા પ્રમાણે હિન્દી, તામિલ અને તેલુગુમાં એકસાથે 50 દેશોમાં રિલીઝ થનારી 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી' પહેલા દિવસે 13થી 15 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ ફિલ્મ બનાવવા પાછળ લગભગ 110 કરોડ રૂ.નો ખર્ચ થયો છે. આની સામે માત્ર 30 કરોડ રૂપિયામાં બનેલી ઠાકરે મહારાષ્ટ્રમાં મોટાપાયે રિલીઝ કરવામાં આવશે અને એ પહેલા દિવસે 8થી 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે એવી ધારણા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે