તેજશ મોદી/ સુરત: હીરા ઉદ્યોગની ચમક તો વધી રહી છે પરતું તેમની ચમક વધારનારા રત્ન કલાકારો દરરોજ નોકરી ગુમાવી રહ્યા છે. આવી વધુ એક ઘટના સુરતમાં ફરી એક વખત બની છે. સુરતના ગોટાલાવાડીનો કારખાનેદાર બે દિવસ અગાઉ કારખાને તાળાં મારીને ગાયબ થઈ જતા લેણદારો અને રત્નકલાકારોના જીવ ઉચાટે ચઢ્યા છે.
100 જેટલાં રત્નકલાકારોએ પાછલા બે મહિનાના બાકી પગાર મેળવી આપવા માટે રત્નકલાકાર સંઘ અને સુરત ડાયમંડ એસોસિએશન પાસે મદદ માગતા મામલો બહાર આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગોટાલાવાડીમાં ભાડેથી મેથલી ડાયમંડ નામનું હીરાનું કારખાનું ચલાવતો અને પાતળા હીરાનું કામ કરતો કારખાનેદાર જય ધામેલીયા શુક્રવારે સવારથી ગાયબ થઇ ગયો હતો.
એક દિવસ અગાઉ હીરાનું સોર્ટીંગ કર્યા બાદ તે દિવસે કારખાને તાળાં મારી દેવાયા હતાં. આ ઘટનાને પગલે 100 રત્નકલાકારોનો 2 માસનો અંદાજે 20 લાખનો પગાર બાકી છે તે અટવાયો છે, સાથે જ 20 રત્નકલાકારો કે જે કારખાનામાં જ રહેતા હતા તેની છત પણ છીનવાઈ છે.
આ રત્નકલાકારોએ સામાન મેળવવા પોલીસની મદદ માગી છે. બીજી તરફ રત્નકલાકારોએ પગાર મેળવી આપવા રત્નકલાકાર સંઘમાં ફરિયાદ આપી હતી. આ અંગે રત્નકલાકાર સંઘ દ્વારા સુરત ડાયમંડ એસોસિએશને મદદ માટે વિનંતી કરાતા એસોસિએશનના હોદ્દેદારોએ મંગળવાર બાદ મદદની ખાતરી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે