Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 હુમલાખોરો પોલીસના યુનિફોર્મમાં આવ્યા હતા અને આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં 28 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પહેલગામ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને સીઆરપીએફની વધારાની ઝડપી પ્રતિક્રિયા ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. આ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે અને અન્ય ઘાયલ છે.
ગોળીબારના અવાજ સાંભળીને રાજકોટ અને મહેસાણાના પ્રવાસીઓ થઈ ગયા સતર્ક
આ ઘટના બાદ એક મોટો ખુલાસો થયો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગુજરાતમાંથી અસંખ્ય પ્રવાસીઓ કૃદરતના સાંનિધ્યમાં ગયા હતા. આ આતંકી હુમલો થયો ત્યારે રાજકોટ અને મહેસાણાની બે લક્ઝરી બસના મુસાફરો ઘટનાસ્થળે કુદરતી સૌંદર્ય માણતા હતા, કોઈ ચા-નાસ્તો કરતા હતા, કોઈ ફોટા પાડતા હતા ત્યારે જ આતંકવાદીએ હુમલો કર્યો હતો. ગોળીબારના અવાજ અને પ્રવાસીઓની મરણચીસો સાંભળીને રાજકોટ-મહેસાણાના પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. ગોળીબારના અવાજ સાંભળીને રાજકોટ અને મહેસાણાના પ્રવાસીઓ તુરંત સલામત સ્થળે આશરો લઈ સંતાઈ ગયા હતા. બસના એક પણ મુસાફરને ઈજા થઈ નથી.
જમ્મુ-કાશ્મીરના પ્રવાસે તમામ બસોને રદ કરવાનો નિર્ણય
આતંકી હુમલો થયો હોવાની જાણ ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અમરિશ બ્રહ્મભટ્ટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરી હતી. આતંકી હુમલાના પગલે ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન દ્વારા ગુજરાતમાંથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે તમામ બસોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કલોલની શિવશક્તિ ટ્રાવેલ્સ અને નિલકંઠ ટ્રાવેલ્સની બે બસના 112 મુસાફરો શ્રીનગરમાં ફસાયા છે. બંને બસ ત્યાં જ રોકી દેવામાં આવી છે. બંને બસને આવતી કાલે ગુજરાત પરત આવવા એસોશિયેશને મેસેજ કરી દીધા છે. આતંકી હુમલા બાદ એવું જાણવા મળ્યું છે કે આજે જમ્મુ કાશ્મીર માટે 5 બસો જવાની હતી, પરંતુ હાલ તમામ બસો કેન્સલ કરી દેવામાં આવી છે.
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠન સામેલ હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બાયસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
મહેબૂબા મુફ્તીએ હુમલાની કરી નિંદા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "હું પહેલગામમાં પ્રવાસીઓ પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું, જેના પરિણામે પ્રવાસીઓના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આવી હિંસા અસ્વીકાર્ય છે અને તેની નિંદા થવી જોઈએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે