અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં ભાખર ગામ પાસે એક મૂકબધિર ૧૨ વર્ષીય કિશોરીની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી મૂકબધિર કિશોરી ગઈકાલે સાંજે ગુમ થયા બાદ આજે તેને હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે. ત્યારે દાંતીવાડા પોલીસ સહિત ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
12 વર્ષની કિશોરી ઘર પાસેથી ગાયબ થઈ હતી
ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી હની દિનેશભાઈ માળી નામની ૧૨ વર્ષીય મૂકબધીર કિશોરી ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થઈ હતી. ત્યારે તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી કિશોરીની કોઇ જ ભાળ ન મળતાં તેના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી. જો કે તપાસ દરમ્યાન મોડી રાત્રે હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મુકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો અજાણ્યો યુવક દેખાયો હતો. જ્યારે આજે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ કિશોરીની ક્ષતવક્ષિત હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા જ ચકચાર મચી જવા પામી હતી.
ગળુ કાપેલી લાશ મળી
આ બનાવને પગલે દાંતીવાડા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં આ કિશોરી ગળુ કાપી ધડથી માથું 20 ફૂટના દૂર ફેંકી દીધેલ હાલતમાં લાશ નજરે પડી હતી. જેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. ડોગ સ્કોડ અને એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
માળી સમાજની કિશોરીની નિર્મમ હત્યાના સમાચાર મળતા જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈ સહિત માળી સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે મૂકબધિર કિશોરીની નિર્મમ હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા થાય તેવી માંગણી તેના પરિવારજનો કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે