ચેતન પટેલ/સુરત :ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ફકત કાગળ પર જ રહી ગઈ છે. બાકી તો સુરતની વાત કરવામાં આવે તો સુરતના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશીદારૂ અને ઈંગ્લિંશ દારૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ઈંગ્લિંશ દારૂની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં દરિયાઈ માર્ગે બોટ માફરતે 16,67,320 લાખનો અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લિશ દારૂનો જત્થો પકડાયો છે. આ જથ્થા સાથે પાંચ વ્યક્તિઓને મરીન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ વિશે હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
દિવાળી પેહલા બૂટલેગરો સુરત શહેરમાં દારૂની રેલમછેલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ માટે રસ્તા માર્ગ પર પોલીસનું સધન ચેકિંગ વધી જતા હવે બૂટલેગરોએ દરિયાઈ માર્ગે સુરતમાં દારૂ ઘૂસાડવાનો કીમિયો અજમાવી રહ્યાં છે. ત્યારે હજીરા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ હાર્દિક પીપળીયા દ્વારા ચેકિંગ દરમિયાન દરિયા માર્ગે પેટ્રોલિંગ દરમ્યાન એસ્સાર જેટી બોટ પોઇન્ટ સાત નોટિકલ માઈલ દૂર દરિયાના પાણીમાં એક શંકાસ્પદ બોટ મળી આવી હતી.
આ બોટમાં મોટાપાયે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. દરમિયાન મરીન પોલીસે આ શંકાસ્પદ બોટને અટકાવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બોટમાં સવાર હરેશ ચીનીયા, ધર્મેન્દ્ર બાબુભાઇ, મનોજ માનકા ટંડેલ, સંજય કાલિદાસ, નટવરલાલ નગિન નામના શખ્સોને બોટમાંથી પકડી પાડ્યા છે.
પોલીસ પૂછપરછમાં આ તમામ આરોપીઓએ નાની દમણથી દારૂ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઈંગ્લિશ દારૂની સાથે બિયરના ટીન અને વોડકાના કુલ નંગ 272 બોક્સ જપ્ત કર્યાં છે. ઈંગ્લિશ દારૂનો 16, 67, 320 નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. તથા આશિષ ટંડેલ અને નરેશ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે