Lok Sabha Election Phase 3 ADR Report: દેશમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે 7 મેએ ત્રીજા તબક્કામાં 88 સીટો પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા સીટો પર પણ મતદાન થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો થવાનો છે. જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ઉમેદવાર પર એડીઆરનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારો પર કેસ, સંપત્તિ સહિત અન્ય વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
એડીઆરનો રિપોર્ટ આવ્યો સામે
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની સમગ્ર પ્રક્રિયા બાદ હવે એડીઆર દ્વારા ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ભાજપના 26માંથી 24 ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ-3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે.
જામનગરના ઉમેદવાર પાસે સૌથી વધુ સંપત્તિ
એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જામનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમ માડમ પાસે સૌથી વધુ સંપત્તિ છે. પુનમ માડમ પાસે 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ બીજા નંબર પર અમિત શાહ છે. અમિત શાહ પાસે 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ યાદીમાં ત્રીજું નામ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલનું છા. સીઆર પાટિલ પાસે 39 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિયોના ગુસ્સાને કેવી રીતે પહોંચી વળશે ભાજપ? હવે આ 'ટ્રમ્પ કાર્ડ' પર બધો મદાર
જે ઉમેદવાર પર સૌથી વધુ દેવું હોય તેની વાત કરવામાં આવે તો જામનગરના ઉમેદવાર પુનમ માડમ તેમાં પણ પ્રથમ સ્થાને છે. પુનમ માડમ પર કુલ 53 કરોડ રૂપિયાનું દેવું છે. ત્યારબાદ કોંગ્રેસના ચંદનજી ઠાકોર પાસે નવ કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે જેની ઠુંમર પર 3 કરોડ રૂપિયાનું દેવું છે.
આ ઉમેદવારો સામે નોંધાયેલા છે કેસ
એડીઆરના રિપોર્ટમાં જે ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરૂચથી લોકસભાના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ઉપર 13 કેસ નોંધાયેલા છે. આ સિવાય અનંત પટેલ પર ચાર કેસ, અમિત શાહ પર 3 કેસ, હીરાભાઈ જોટવા પર 2 કેસ, દિલીપ વસાવા પર 1 કેસ, આ સિવાય રાજેશ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, સુખારામ રાઠવા, જશુભાઈ રાઠવા પર એક-એક કેસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે