અલ્કેશ રાવ/બનાસકાંઠા: રાજ્યમાં કાળઝાળ ગરમીમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસા ભીલડી હાઈ-વે પર લગ્નના મંડપમાં આગની દુર્ઘટના બની છે. લગ્ન સમારંભ દરમ્યાન આકસ્મિત આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. લગ્ન સમયે મંડપમાં આગ લાગતા લગ્નની ચોરી સહિત મંડપ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી તેમજ ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આગ બુઝાઈ જતા મોટી જાનહાની ટળી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ડીસા-ભીલડી હાઈ-વે પર આવેલા માલગઢ ગામમાં જ્યાં એકસાથે ચાર દીકરીઓના લગ્ન યોજાયા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે મંડપમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આગને પગલે સ્થાનિક લોકોએ માટી અને પાણીનો મારો ચલાવતા મોટી જાનહાનિ ટળી છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ ફટાકડાને કારણે જ લગ્ન મંડપમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે