ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. થોડાક સમય પહેલા એક યુવકે બીજા યુવક સાથે રહેવા માટે જાતિ પરિવર્તન કરાવ્યું હતું. પરંતુ હવે તેને તરછોડી દેતા ટ્રાન્સ વુમને વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી, જેના કારણે ટ્રાન્સ વુમન પોલીસ ભવન પહોંચી હતી. ત્યારબાદ રાવપુરા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
થોડાક જ સમયમાં રિલેશનમાં ભંગાણ પડ્યું
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે વડોદરાના એક યુવકે અન્ય એક યુવક સાથે રહેવા 8 લાખની સર્જરી કરાવી ટ્રાન્સ વુમન બની હતી. પરંતુ થોડાક જ સમયમાં રિલેશનમાં ભંગાણ પડ્યું હતું અને ટ્રાન્સ વુમનને તરછોડી દીધી હતી. ત્યારબાદ તેણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રાન્સ વુમને પોલીસમાં કરેલી અરજી પ્રમાણે જણાવ્યું હતું કે, અમારો પરિચય 6 વર્ષ પહેલા રાજકોટના એક યુવક સાથે થયો હતો. ત્યારબાદ અમારા રિલેશન ગાઢ બન્યા. તેણે મને સાથે રહેવાનું વચન આપ્યું હતું.
મેં વિશ્વાસ રાખી લોન લઇ ટ્રાન્સ વુમનની સર્જરી કરાવીને સ્ત્રી બની..
ત્યારબાદ રાજકોટના યુવકે મને કહ્યું હતું કે તું સ્ત્રી બનીશ તો હું હંમેશા તારી સાથે રહીશ અને તને સાચવીશ. મારા માતા પિતા પણ આ સંબંધ સ્વીકારશે. મેં વિશ્વાસ રાખી લોન લઇ ટ્રાન્સ વુમનની સર્જરી કરાવીને સ્ત્રી બની હતી. અમે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તે અંગેનો કરાર પણ કર્યો હતો. પહેલા તો બધું સરસ ચાલ્યું હતું. તેના માતા પિતા પણ અમારો સંબંધ સ્વીકારવા તૈયાર થયા. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી રિલેશનમાં ખટાશ આવી ગઈ છે. રાજકોટનો આ યુવક અને તેના માતા પિતા મને માનસિક ત્રાસ આપીને હેરાન કરી રહ્યા છે.
મારા પાર્ટનરે મારી સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા...
તેઓ મારા પાર્ટનરને મારી વિરુદ્ધ ચઢામણી કરી રહ્યા છે, જેના કારણે અમારી વચ્ચે ઝઘડા શરૂ થયા છે. તે મને છોડી દેવાની ધમકી આપી રહ્યો છે. મારા પાર્ટનરે મારી સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ તે મારી પાસે કરાવતો હતો. મારો પાર્ટનર અને તેના સગાઓ મને ધમકી આપતા હતા કે, તું ફિનાઇલ પીને મરી જા. અમને કોઈ ફરક પડતો નથી.
મને આઘાત લાગતા મેં ફિનાઈલ પી લીધું હતું
હોળીના આગલા દિવસે મારો પાર્ટનર મને છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે મને ફોન કરીને કહ્યું કે હવે હું આવવાનો નથી. આપણે કોઇ સંબંધ નથી. મને આઘાત લાગતા મેં ફિનાઈલ પી લીધું હતું. કારણકે ટ્રાન્સ વુમન બન્યા પછી મારા માતા-પિતાએ પણ મને સ્વીકારવા તૈયાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે