નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર શહેરમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્રએ અણઆવડત છતી કરી શહેરમાં રોડ અને રસ્તાની બાજુમાં નાખવામાં આવેલા બ્લોકનું નખ્ખોદ વાળ્યું છે. કેબલ નેટવર્ક અને અન્ય લાઈનો નાખ્યા પૂર્વે રોડનું કામ પૂરું કરી દેવાય છે. અને રોડ બની ગયા બાદ તંત્રને અધૂરા રહી ગયેલા કામો યાદ આવે છે. જેના કારણે કેબલ વાયર, સ્ટ્રોમ લાઇન કે ડ્રેનેજ કામ માટે રોડને ફરી તોડી નાખવામાં આવે છે. જેના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે
ભાવનગર શહેરના નેતાઓમાં વિકાસ વિઝનનો અભાવ જોવા મળી રહ્યો છે. અંદરો અંદરની ટાંટીયા ખેચમાં નવા પ્રોજેક્ટના કામો ટલ્લે ચડી રહ્યા છે. આમ તો ચોમાસા દરમ્યાન ભાવનગરની ઓળખ ખાડાનગર ની છે. પરંતુ હાલમાં ઉભી થયેલી સ્થિતિ ખાડાનગર ની વ્યાખ્યાને સમર્થન આપી રહી છે. મહાનગરપાલિકાના શાશકો નવા રોડ બનાવવામાં સમય મર્યાદા વધારો કરી સમય અને નાણાંનો વેડફાટ કરી રહ્યું છે. ભાવનગરમાં હાલ વિકાસની ઊંઘી ગંગા વહી રહી છે.
જેમાં મનપા ના વિભાગોએ સંકલન વગર નવા રોડ બનાવી નાખ્યા છે. અને એ બની ગયા બાદ તંત્રને પોતાની ભૂલ સમજાતા ડ્રેનેજ, સ્ટ્રોમ લાઇન અને કેબલ નેટવર્ક બાકી હોવાના કારણે નવા બનાવેલા રોડ ને ફરી ખોદી નાખવામાં આવ્યા છે. જેમાં ભાવનગર કોર્પોરેશનના વિભાગીય અધિકારીઓમાં સંકલનનો અભાવ હોવાની વાસ્તવિકતાને નકારી શકાય નહીં. અને તે સંદર્ભે ખુદ શાસક પક્ષના સભ્યો અને પદાધિકારીઓ વારંવાર સ્ટેન્ડિંગ કમિટી તેમજ સાધારણ સભામાં ઉછળી ઉછળીને આક્રોશ ઠાલવતા હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવી ભૂલોના કારણે પ્રજાના લાખો, કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં થઈ રહેલી કામગીરીને લઈને સ્ટેન્ડિંગ ચેરમેન એ જણાવ્યું હતું કે, શહેરમાં 850 કરોડના વિકાસના કામો ચાલુ છે. જેમાં રોડ રસ્તાના કામો શરૂ કર્યા પૂર્વે લાગત વિભાગો અને એજન્સીઓ પાસે કોઈ કામ બાકી છે કે કેમ તે અંગે એન.ઓ.સી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એ આવી ગયા બાદ જ રોડ ના કામો શરૂ કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ક્ષતિઓ રહી ગઈ હોય ત્યાં પણ બને ત્યાં સુધી રોડ તૂટે નહીં એ રીતે કામગીરી કરવા સૂચનાઓ આપી છે.
હવે કોઈપણ કામ શરૂ કરતાં પહેલાં તમામ વિભાગોના એન.ઓ.સી. લેવા ફરજિયાત હોવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમ છતાં હજુ પણ નવા રોડ કે બ્લોક નાખ્યા બાદ પણ કેબલ અને લાઈનો નાખવા માટે રોડ અને બ્લોક ખોદવામાં આવી રહ્યા હોય ત્યાં અમે બ્રેક મારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેતે એજન્સી કે ખાતાકીય અધિકારીઓ પર કડક પગલાં ભરવા અમે કમિશ્નર ને સૂચના આપી છે. ખરેખર તો ભવિષ્યને ધ્યાનમાં રાખી વિકાસ કામોના આયોજન કરવા જરૂરી છે. પરંતુ સાથે સાથે ભૂલો ના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ તો નથી થઈ રહ્યો ને, એ જોવું પણ એટલું જ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે