ગુજરાતના વધુ એક યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં નવસારીના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઈ છે. મિહિર દેસાઈ નામના યુવકની તેના જ રૂમમેટે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ચપ્પુના ઘા ઝીંકીને મીહિરની હત્યા કરવામાં આવી છે, તો ઓસ્ટ્રેલિયાની પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
42 વર્ષીય ગુજરાતી મૂળના વ્યક્તિની અટક
મૂળ નવસારીના બીલીમોરાના યુવાન ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના પૂર્વ બરવૂડ ખાતે રહેતા મૂળ બીલીમોરાના મિહિર દેસાઈની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. સૌ પ્રથમ તો ચપ્પુના ઘા વાગતા મિહિર ઘાયલ હતો અને સ્થાનિક પોલીસ તથા આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી. જોકે મિહિરનું ત્યારબાદ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી એક 42 વર્ષીય ગુજરાતી મૂળના વ્યક્તિની અટક કરી પૂછપરછ શરૂ કરી છે.
મેલબોર્ન શહેરમાં યુવકની હત્યા કરાઈ
બંને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા સાથે પડોશીઓ અને અન્યોની પણ પૂછપરછ શરૂ કરી છે. ઘટનાને પગલે મેલબોર્નના સ્થાનિક ગુજરાતી સમુદાયમાં આઘાતની લાગણી ફરી વળી છે. મૃતક મિહિર દેસાઈ બીલીમોરાની યમુના નગર સોસાયટીનો રહેવાસી છે. બીલીમોરામાં મિહિરીના ઘરે શોકની લાગણી પ્રસરી છે. હજી હત્યા પાછળના કારણ વિશે વિક્ટોરિયા પોલીસે કોઈ ફોડ પાળ્યો નથી. યુવકની હત્યા શા માટે કરવામાં આવી છે તેને લઈ કારણ અકબંધ છે.
મિહિરની બહેન રહે છે જર્મની
મિહિર દેસાઈના મૃતદેહનું પીએમ કરી દેવાયું છે અને તેને ઓસ્ટ્રેલિયા ખાતે જ રાખવામાં આવ્યો છે. મિહિરના માતા બીલીમોરામાં એકલા રહે છે અને મિહિરની બહેન આવતીકાલે જર્મનીથી આવશે ત્યારબાદ મૃતદેહને ભારત લાવવો કે નહી તેનો નિર્ણય પરિવારજનો લેશે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના લોકો એકઠા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે