Gujarat News: આમ આદમી પાર્ટીની ગુજરાતમાં મુશ્કેલીઓ ઓછી થવાનું જાણે નામ લેતી નથી. ગઈ કાલે બુધવારે પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને કેસરિયા કરવાનું હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યાં બીજા એક ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હવે વનકર્મીને ધમકાવવાના અને મારપીટના કેસમાં આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા. હાજર થતા પહેલા તેમણે કહ્યું કે મારા પર ખોટા આરોપ લાગ્યા છે. તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું અને ષડયંત્રના ભાગ રૂપે મને ફસાવવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર લડતા રહીશું.
અત્રે જણાવવાનું કે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી રહી છે. છેલ્લા 1 મહિના અને 9 દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા. ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવીને ધમકાવીને હવામાં ફાયરિંગ કરી 60 હજાર રૂપિયા પડાવી લેવાનો આરોપ છે.
શું છે સમગ્ર મામલો
ડેડીયાપાડાની જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચૈતર વસાવાના પીએ, તેમના પત્ની અને અન્ય વ્યક્તિની ધરપકડ કરાઈ છે જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય એક વ્યક્તિ ફરાર હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે