ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સતત કંઈક નવુ લાવી રહી છે. પહેલા લોકોને વચનોની લ્હાણી, બાદમાં ઉમેદવારોનું લિસ્ટ. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે સતત જમાવટ કરી રહી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. આપ પાર્ટી પંજાબની જેમ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો મેદાનમાં લાવશે. મુખ્યમંત્રીના પદના ચહેરા માટે પાર્ટી કેમ્પેઈન ચલાવશે, આપ પાર્ટી આ માટે લોકો પાસેથી સૂચનો મંગાવશે. આજે અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટી આક્રમક રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમા ઉતરી ચૂકી છે. તે તમામ સીટ પર ઉમેદવારો ઉતારશે. અત્યાર સુધી 80 થી વધુ ઉમેદવારોની જાહેરાત આપ પાર્ટી કરી ચૂક્યું છે. ત્યારે હવે આપ પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ AAP એ મોટી તૈયારી કરી છે. પાર્ટી પંજાબની જેમ ગુજરાતમાં AAP મુખ્યમંત્રીનો ચહેરો ઉતારશે. મુખ્યમંત્રીની પસંદગી માટે AAP કેમ્પેઈન ચલાવશે. આ માટે આપ લોકો પાસે મુખ્યમંત્રીના નામ અંગે અભિપ્રાય માંગશે. 3 નવેમ્બર સુધી AAP જનતા પાસે અભિપ્રાય માંગશે. 4 નવેમ્બરે AAPના CM ચહેરાની જાહેરાત કરાશે.
આ વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે લોકોને પુછીને CM ચહેરાની પસંદગી કરીએ છીએ. આ જનતંત્ર છે અને જનતંત્રમાં જનતા નક્કી કરે છે કોણ હશે મુખ્યમંત્રી. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ તેમની પાસે મુદ્દા નથી. બસ આપને ગાળો આપી રહ્યાં છે. આગામી પાંચ વર્ષ માટે તેમની પાસે કોઈ એજન્ડા નથી. મોંઘવારી, બેરોજગારી સૌથી વધુ ગુજરાતમાં છે. તો બીજી તરફ દિલ્હી, પંજાબની ચર્ચા છે. ગુજરાતમાં એક વર્ષ પહેલાં મુખ્યમંત્રી બદલાયા. શા માટે વિજય રૂપાણીને હટાવાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીથી બદલી નાંખવાનો આદેશ કરાયો. આ વિશે શા માટે લોકોને પૂછવામાં ન આવ્યું. ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે ગુજરાતનો સીએમ કોણ હશે? અમે 4 નવેમ્બરે જાહેરાત કરીશું કોણ હશે સીએમનો ચહેરો.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા BJP નો માસ્ટરસ્ટ્રોક, ગુજરાત સરકાર લાવશે યુનિફોર્મ સિવિલ કોડ
ઇમેલ દ્વારા પણ પસંદગી જણાવો
AAP દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, ફોનનંબર 6357000360 પર એસએમએસ, વોટ્સએપ મેસેજ, વોઇસ મેસેજ અને ઇમેલ પર પણ મેલ કરવા નવા મુખ્યમંત્રી અંગે સૂ6ચન આપવા. 3 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી આ ફોનનંબર પર સીએમ અંગેની પસંદગી કરી શકાશે અને 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : કાળમુખો શનિવાર : ભરૂચમાં નેશનલ હાઈવે પાસે 5 વાહનો અથડાયા, માછી પરિવારના 2 નું મોત
હકીકતમાં, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી હતી. હવે કહેવાય છે કે, પાર્ટી ગુજરાતમાં આ પ્રકારનું જ પગલુ ઉઠાવી શકે છે. જે માટે પાર્ટી લોકો પાસેથી નામ પર સૂચન માંગશે.
તો બીજી તરફ, ગુજરાતના પંચમહાલમાં જનસભા દરમિયાન આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90 થી 92 સીટ જીતી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂરી થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં જલ્દી જ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતા જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે