રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઈકાલે કોરોનાથી નિધન થયું છે. અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) ના પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યે અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે. અંતિમ દર્શન કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરાશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ રાજકોટ જવા નીકળશે. હાલ અભય ભારદ્વાજના પાર્થિવ દેહ ને રાજકોટ લઈ જવામાં આવ્યો છે.
ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક કહેવાતા અભય ભારદ્વાજ ભાઇના હુલામણા નામથી જાણીતા હતા. અભય ભારદ્વાજ મુખ્યમંત્રીના કોલેજકાળના મિત્ર છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કેસોમાં કાયદાકીય સલાહકાર પણ રહી ચૂક્યા છે. મુખ્યમંત્રીના ડર્ટી ડઝન ગ્રુપના પણ સભ્ય હતા. મુખ્યમંત્રીનું કોલેજકાળનું 12 મિત્રોનું ડર્ટી ડઝન ગ્રુપ હતું, જેમાં અભય ભારદ્વાજ પણ સામેલ હતા. અભય ભારદ્વાજ હંમેશા ભાજપમાં ટ્રબલ શુટરની ભૂમિકામાં રહ્યાં હતા. તેઓ ભાજપના પડદા પાછળના કિંગ મેકર રહ્યા છે. વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે સંકળાયેલા હતા. દિગ્ગજ નેતાઓ પ્રમોદ મહાજન, સુબ્રમણ્યમ સ્વામી, અરૂણ જેટલી સાથે અનેક આંદોલનો, લડત અને રણનિતીઓ ઘડી છે. ગુજરાતમાં વકીલાત ક્ષેત્રે તેઓ મોટું નામ કહેવાય છે. તેઓ શશીકાંત માડીની ફાંસી, ગુલબર્ગ કેસ સહિતના અનેક કેસોમાં કાયદાકીય લડત આપી ચૂક્યા છે.
કોરોનાની 92 દિવસની સારવાર બાદ અભય ભારદ્વાજનું નિધન થયું હતું. તેમના નિધનથી પરિવારની સાથે રાજકોટ શહેર ભાજપમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. રાજકોટ શહેરના પ્રમુખ કમલેશ મીરાણીએ કહ્યું કે, અભય ભારદ્વાજ દરેકના હૃદયમાં હમેશને માટે જીવંત રહેશે. અભયનો મતલબ કોઇ પણ જાતનો ભય નહિ, નીડરતા અને સ્પષ્ટ વક્તા થાય, તેમની આ શીખ હમેશા યાદ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે