Ahmedabad News : હોસ્પિટલમાં સ્વસ્થ વ્યક્તિ પોતાના બે પગ પર ચાલીને આવે અને અચાનક મોત મળે છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પણ કંઈક આવુ જ થયું. કેમ્પના નામે દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવામાં આવે છે, અને ચૂપચાપ આ દર્દીઓના કોઈ પણ દુખાવા વગર ઓપરેશન કરી દેવામા આવે છે. સરકારી યોજનામાંથી રૂપિયા લેવા માટે કોઈ હોસ્પિટલ આવું કરે છે તે ચોંકાવનારી બાબત છે. અમદાવાદની ખ્યાતનામ ખ્યાતિ હોસ્પિટલ દર્દીઓ માટે મોતની હોસ્પિટલ બની છે. જે રૂપિયા કમાવવા માટે આવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. કેમ્પના બહાને બોરીસણાના દર્દીઓને હોસ્પિટલમાં લાવીને સારવાર કરાવનાર ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજ્યા છે. તો પાંચ દર્દીઓ હાલ મોત સામે ઝઝૂમી રહ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલનો ઈતિહાસ તપાસતા સામે આવ્યું કે, બે વર્ષ પહેલા પણ આ જ રીતે ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડ આચરાયું હતું.
ખ્યાતિ હોસ્પિટલે બે લોકોને મારી નાંખ્યા
તો મૃતક સેનમા નાગરભાઈના જમાઈ પોપટ સેનમાએ ZEE 24 કલાક સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગામમા હોસ્પિટલ તરફથી સ્ટાફ આવી 80-90 લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના 19 લોકો ને સારવાર માટે એમ્બયુલન્સમા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતી. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે. સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. ઑપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
બે વર્ષ પહેલા શું થયું હતું
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની વધુ એક ભૂલ છતી થઈ છે. અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલે માસુમોના ભોગ લીધા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કોભાંડ બીજીવાર સર્જાયું છે. વર્ષ 2022 માં પણ આજ કોભાંડ આચરવામાં આવ્યું હતું. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ટ મુક્તા દર્દીનું મોત થયું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ત્યારે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવુ જ કૌભાંડ આચરાયું છે.
હોસ્પિટલના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા
ખ્યાતિ હોસ્પિટલમાં મોતનું કૌભાંડ સામે આવતા જ ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ ભૂર્ગભમાં ઉતરી ગયા છે. બે નિર્દોષના મોત છતાં કાર્તિક પટેલ ક્યાંય જોવા મળ્યા નથી. બે-બે દર્દીના મોત છતાં કાર્તિક પટેલના પેટનું પાણી હાલ્યું નથી. ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક.જે.પટેલ ક્યારે આવશે બહાર? ખ્યાતિ ગ્રુપની હોસ્પિટલનું તમામ સંચાલન ચિરાગ રાજપૂત કરે છે. હોસ્પિટલમાં ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે.
ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAY ડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની હોવાનું સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે અત્યારે હોસ્પિટલના તમામ રૂપિયા હોલ્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ હકીકતો સામે આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓમાં આવી હોસ્પિટલો સામે પગલા ભરવામાં આવે છે. અમારી કોઈપણ જાતની મંજૂરી સાથે હોસ્પિટલે સારવાર કેમ્પ કર્યો ન હતો. PMJAY માં દર્દીઓ આવતા હોવાથી તેઓને વિનામૂલ્યે લઈ લાવા લઈ જવાની સગવડ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આમાં PMJAY ની કોઈ મંજૂરી ન હતી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ બોરીસણા ગામ ખાતે આયોજન કરાયો હતો. દર્દીઓને હોસ્પિટલ લઈ જઈ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એક્સ્પર્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે ખરેખર ઓપરેશનની જરૂર હતી કે નહિ. હોસ્પિટલના દર્દીઓના પેમેન્ટ હોલ્ડ પર મુકી દઈશું. ડોક્ટર અને હોસ્પિટલ સસ્પેન્શનના પગલા લેવાયા છે. PMJAY ના નામે જોગવાઈ નથી. કેમ્પની કાર્યવાહી ન કરવા સૂચના આપીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે