મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના માધુપુરા પોલીસ લાઈનમાં પોલીસ કોન્સ્ટેબલના પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. મૃતક મહિલાનો પતિ ઉપેન્દ્રસિંહ ચાવડા સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આપઘાત મામલે મહિલાના ભાઈએ બનેવી વિરુધ્ધમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આપઘાત માટે પ્રેરિત કરવા સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.
માધુપુરા પોલીસ લાઈનમાં સવારે પાયલ બેન નામની મહિલાએ આપઘાત કરી લીઘા હોવાનો કંટ્રોલ મેસેજ પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મહિલાએ ઘરમાં જ સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે, જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે આરોપી પતિ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઘરે હાજર હતા અને તેમને રૂમનો દરવાજો તોડ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી ત્યારે પોલીસને હાલ તો કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પરંતુ મરનારના ભાઈઓ પોતાના બનેવી સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે. જોકે જ્યારે પોલીસ ઘરે પહોંચી હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઘરે હાજર હતા.
મહત્વનુ છે કે, મરનારના ભાઈનો આક્ષેપ હતો કે, તેમની બહેનને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. અને 8 લાખ રુપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. એટલુજ નહિ પણ એવો ગંભીર આરોપ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ચાવડાના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાનો પણ આક્ષેપ મૃતકનાં ભાઈએ ફરિયાદમાં કર્યો હતો.
પોલીસ હાલ તો લાશને પોસ્ટ માર્ટમ માટે મોકલી તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસનુ કહેવુ છે કે, આ આપઘાત છે કે પછી અન્ય કોઈ કારણોસર પાયલ બેનનુ મોત થયુ છે તે પોસ્ટ માર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે, આ મોત પાછળ ખરેખર દહેજ અને અન્ય સ્ત્રી જવાબદાર છે કે, પછી અન્ય કોઈ કારણ છે. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરી લીધી છે અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે