અર્પણ કાયદાવાલ/અમદાવાદ: મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે તેમાં 542 કરોડના સુધારા સાથે 8051 કરોડનું બજેટ રજૂ છે. આ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. આ બજેટમાં શહેરમાં 6 મોડલ રોડ બનાવવા માટે રૂ.30 કરોડની ફાળવણી કરાઈ છે. તેમજ દર્દીના સગાને હોસ્પિટલમાં રૂ.10માં ભોજન આપવાની યોજના બનાવી છે. વાડજ, નરોડા પાટિયા, વિનોબા ભાવે નગર, મણિનગર, ગેલકસી નરોડા, શાહીબાગમાં ફ્લાયઓવર બનાવાશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પદભાર સંભાળ્યા બાદ પોતાનું સૌપ્રથમ સુધારિત બજેટ રજૂ કરાયું હતું. આ સુધારિત બજેટમાં અમૂલ ભટ્ટે અગાઉના ચેરમેનની જેમ પોતાના બજેટમાં શહેરની કાયાપલટ કરવાની સાથે-સાથે વિકાસયાત્રાને રોકેટગતિએ આગળ લઈ જવાનું આયોજન કરાયું હોવાનો દાવો કર્યો છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલા વિવિધ વેરાનું વળતર નવા-નવા પ્રોજેક્ટ દ્વારા આપીને આ બજેટ માત્ર આંકડાની માયાજાળ નથી તેમ જણાવતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આગામી નાણાકીય વર્ષ ૨૦19-20ના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 542 કરોડનો વધારો કરાયો છે.
શાસકોના સુધારિત બજેટમાં નવા ફ્લાય ઓવરબ્રિજ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં અગાઉના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા રૂ. ૬૯૯૦ કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જોકે છેલ્લાં દશ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં જંગી વધારો થયો છે.
ગત નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૨૪૫૧ કરોડ, વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ, ૩૩૩૫ કરોડ, વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ. ૪૧૮૫ કરોડનું બજેટ વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૫૩૫૦ કરોડે પહોંચ્યું હતું, જે હવે વધીને રૂ. ૮૦૦૦ કરોડને સ્પર્શી ગયું છે, જોકે દર વર્ષે બજેટની મોટા ભાગની દરખાસ્તો ‘કાગળ’ પર રહેતી હોઇ નાગરિકો માટે તો એકંદરે છેતરામણું કહો કે હથેળીમાં ચાંદ બતાવનારું આભાસી બજેટ બનતું હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાતું રહે છે. બજેટના મોટા થયેલા કદ અંગે ભાજપી શાષકો એએમસીની મજબૂત થયેલી આર્થિક સ્થીતી અને આવકના અંદાજ મુજબ કામગીરી કરવાની વાત કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીના આ વર્ષમાં શહેરીજનોના માથે કોઇપણ નવા કરવેરા વગરના આ બજેટમાં શાષકોએ શહેરીજનોને આકર્ષવાના પ્રયાસો કર્યા છે. ત્યારે શહેરના વિકાસને રોકેટગતીથી આગળ વધારવા માટે કરવામાં આવેલી જોગવાઇઓનું કેટલી ઝડપથી અમલીકરણ થાય છે તે જોવુ મહત્વનુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે