બ્રિજેશ દોશી/ગાંધીનગર :વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં ભાજપનું કેન્દ્રિય અને પ્રદેશ નેતૃત્વ કાર્યકરો સાથે દિવાળી પર્વ મનાવશે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા હતા. હવે દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન પણ ભાજપનું શીર્ષષ્ઠ નેતૃત્વ કાર્યકરો વચ્ચે રહેશે. એક તરફ પ્રજા માટે વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી આપી રહ્યા છે, તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ કાર્યકરો અને નેતાઓ વચ્ચે સમય વિતાવી રહ્યા છે.
2017 ની ચૂંટણી પહેલા પણ આવુ જ કર્યુ હતું
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે અમદાવાદ પહોંચશે અને 26 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જ રહેશે. પ્રદેશ ભાજપે બનાવેલા કાર્યક્રમ પ્રમાણે તેઓ ચારેય ઝોનમાં અલગ અલગ દિવસે પ્રવાસ કરશે અને ઝોન પ્રમાણે સ્થાનિક નેતાઓ, સક્રિય કાર્યકરો સાથે મુલાકાત કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. વર્ષ 2017 ની ચૂંટણી દરમિયાન પણ અમિત શાહે આ રીતે કાર્યકરો સાથે બેઠકો કરી હતી અને જે તે જિલ્લાની સ્થાનિક નેતાગીરી વચ્ચેનો અસંતોષ દૂર કર્યો હતો
કોની દિવાળી બગડશે અને કોની સુધરશે
સામાન્ય રીતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતાના કડક સ્વભાવ માટે જાણીતા છે અને ચૂંટણી સમયે ભાજપ સામેના પડકારો દૂર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવે છે. ત્યારે આ વખતે પોતાના ગૃહ રાજ્યમાં વધુ એકવાર અમિત શાહ મિશન 182 ને સાકાર કરવા રણ મેદાનમાં ઉતાર્યા છે. તેમના આ દિવાળી પર્વની મુલાકાત કેટલા આગેવાનોની દિવાળી બગાડશે અને કેટલાની સુધારશે તે 27 ઓક્ટોબર બાદ સ્પષ્ટ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે