અતુલ તિવારી/અમવાદ :અમદાવાદ શહેરના વિકાસની વાતો તો ઘણી કરવામાં આવે છે, પણ ચોમાસું આવતા જ અમદાવાદના વિકાસની સાચી તસવીર સામે આવી જાય છે. ચોમાસામાં ખાડાનગરીમાં ફેરવાઈ જતા અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS બસ ખાડામાં ખાબકવાનો બનાવ બન્યો છે. AMTS બસ ખાડામાં પડતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. આ ઘટનામાં ચાર મુસાફરોને ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે સમગ્ર મામલામાં એએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે. કામ ચાલુ હોવાથી રસ્તા પર કોઈ પ્રકારના બેરિકેડ્સ લગાવાવમાં આવ્યા નથી. અમદાવાદના હાર્દ સમા આ રસ્તા પરથી રોજના હજારોની સંખ્યામાં મુસાફરો પસાર થતા રહે છે, આવામાં આ સર્કલ પર બેરિકેટિંગ ન મૂકાતા તે જોખમી બની ગયું છે.
ઔડાની હદમાં એએમટીએસની 501 નંબરની બસ સાથે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના એસજી હાઈવે પરથી રોજબરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થયા હોય છે. આ રોડને સિક્સ લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ જો કામગીરી ચાલી રહી છે તો બેરિકેડ્સ લગાવવાની જવાબદારી તંત્ર હતી. તંત્રની કામગીરીના અભાવે એએમટીએસની વૈષ્ણોદેવી સર્કલ પાસે ખાડામાં ખાબકી હતી. બસના ડ્રાઈવર લાલજીભાઈએ જણાવ્યું કે, ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી.
બસ ખાબકી ત્યારે ત્યાં બેરિકેડ ન હતું. ત્યારે બસ સીધી આવીને ખાડામાં ખાબકી હતી. જોકે, બસની સ્પીડ 30 જેટલી હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. તેમજ મુસાફરોને પણ હળવી ઈજા પહોંચી હતી. બસ પાણી ભરેલા ખાડામાં ઉતરી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
એએમટીએસની 501 નંબરની બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ આવી રહી હતી. આવામાં આ ઘટના બની હતી. જોકે, સવાલ એ છે કે, શું તંત્ર આવી કોઈ ઘટના બનવાની રાહ જોઈને બેસે છે કે, ઘટના બને તેના પછી કામગીરી કરવામાં આવે. અમદાવાદનો મુખ્ય રસ્તો હોવાથી અહી બેરિકેડ્સ લગાવવાની પણ જવાબદારી એએમસીની છે. આવામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
બસ ડ્રાઈવરની સમયસૂચકતા કામ લાગી
બસ જો જમણી બાજુ ના લીધી હોત તો વૈષ્ણવ દેવી સર્કલ પર બસની આગળ 15 વાહનો સાથે બસ ટકરાઈ હોત અને અકસ્માત મોટો થઈ શક્યો હતો. જેમાં આગળના મુસાફરોના જીવ પણ જઈ શકતા હતા. જોકે બસના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી જમણી બાજુ લેતા બસ ખાડામાં ખાબકી અને માત્ર મુસાફરોને ઇજા પહોંચી હતી.
Amts બસ ખાડામાં ઉતરી જવા મામલે એએમટીએસના ચેરમેને નિવેદન આપ્યું કે, બસની બ્રેક ફેલ થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ડેપોમાંથી નીકળતા પહેલા દરેક બસનું ચેકીંગ થાય છે. આ ઘટનામાં સંપૂર્ણ તપાસ કરી પગલાં લેવામાં આવશે. બસ બહાર કાઢયા બાદ બ્રેક કાર્યરત હોવાની વાતની પણ તપાસ કરવામાં આવશે.
ગુજરાતના મહત્વના અન્ય સમાચાર :
Latest Updates : ગુજરાતના 139 ડેમની જળસપાટી ટોચને સ્પર્શવાની તૈયારી હોવાથી હાઈ એલર્ટ પર
કોઈ વિચારી પણ નહિ શકે, કે ગુજરાતના આ સ્થળે થોડા દિવસો પહેલા રણ હતું, અને હવે જુઓ....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે