અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. રાજ્યમાં તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીઓએ તો પોતાના ઉમેદવારોના છ લિસ્ટ પણ જાહેર કરી દીધા છે. આ વચ્ચે રાજ્ય સરકારે કેટલાક વિભાગોમાં અધિકારીઓની બદલી પણ કરી છે. રાજ્યના પોલીસ બેડા સહિત અન્ય અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ વચ્ચે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડા પાસે અધિકારીઓની બદલીઓ અંગે રિપર્ટ માંગીને નોટિસ પાઠવી છે.
આ કારણે કેન્દ્રીય ચૂંટણી પંચે પાઠવી નોટિસ
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કમિશન દ્વારા નિર્ધારિત શરતો હેઠળ બદલી-પોસ્ટિંગ સંબંધિત અહેવાલ ફાઇલ ન કરવાને કારણે નોટિસ મોકલી અને તત્કાલ રિપોર્ટ માંગ્યો છે. વિગત અનુસાર અધિકારીઓને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે કે આ મામલે નિર્દેશો જારી કરવા છતાં સમય મર્યાદા પૂરી થવા છતાં પાલન અહેવાલ શા માટે સબમિટ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશને બદલી અને પોસ્ટિંગ અંગેનો પત્ર મોકલ્યો હતો.
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય સરકારોને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષમાં સતત એક જિલ્લામાં ત્રણ વર્ષ પસાર કર્યાં હોય તેવા અધિકારીઓની બદલીનો નિર્દેશ આપ્યો હતો. જેનો પત્ર ગુજરાત અને હિમાચલ સરકારને મોકલવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે છેલ્લા ચાર વર્ષમાં એક જિલ્લામાં સતત ત્રણ વર્ષ પસાર કરનારા અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો- દિવાળી બાદ ગુજરાત ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં મતદાન અને હિમાચલ સાથે આવશે પરિણામ!
નોંધનીય છે કે રાજ્યમાં ચૂંટણી પહેલા ઘણા વિભાગોમાં સરકાર દ્વારા બદલીના આદેશ અપાયા છે. હાલમાં રાજ્યમાં 76 જેટલા ડીવાઈએસપીની બદલી કરવામાં આવી હતી. તો 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ પહેલા મહેસૂલ વિભાગે 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલીનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી આપવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગે 76 DySP ની બદલીનો આદેશ આપ્યો હતો. તો 24 મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ હાલમાં ટ્રાન્સફરનો ઓર્ડર કરાયો હતો. ચૂંટણી પહેલા રાજ્યમાં ડીઈઓ અને ડીપીઈઓની પણ બદલી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે