અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે દેશના 15 રાજ્યોમાં 56 રાજ્યોસભાની સીટો પર ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ચાર બેઠકો પર રાજ્યસભા ચૂંટણી યોજાશે. વર્તમાનમાં ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 સીટો છે, જેમાં આઠ સીટો ભાજપ અને ત્રણ કોંગ્રેસ પાસે છે. પરંતુ નવી ચૂંટણી યોજાયા બાદ કોંગ્રેસને બે સીટોનું નુકસાન થવાનું છે.
આ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ થશે પૂર્ણ
કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં 15 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ગુજરાતના ચાર રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા સામેલ છે. જ્યારે કોંગ્રેસના અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો કાર્યકાળ 2 એપ્રિલ 2024નો સમાપ્ત થવાનો છે.
ભાજપને થશે ફાયદો
ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટ હાસિલ કરી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટ મળી હતી. જેમાંથી કોંગ્રેસના બે ધારાસભ્યો રાજીનામા આપી ચુક્યા છે. એટલે કે વર્તમાનમાં કોંગ્રેસ પાસે માત્ર 15 ધારાસભ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં ચારેય સીટો પર આસાનીથી જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસે બે સીટો ગુમાવવાનો વારો આવશે.
આ પણ વાંચોઃ બોટકાંડ પર હાઈકોર્ટની ગંભીર નોંધ : શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?
ભાજપના સાંસદોની સંખ્યા 10 થશે
રાજ્યસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ ભાજપને વધુ બે સીટનો ફાયદો થવાનો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાંથી રાજ્યસભામાં 10 સાંસદો થઈ જશે. જ્યારે કોંગ્રેસ માટે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે. એટલે કે રાજ્યમાંથી 11 રાજ્યસભા સીટમાંથી 10 સીટો ભાજપના ખાતામાં આવવાની છે.
રાજ્યસભામાં જીતનું ગણિત
ગુજરાતમાં આગામી સમયમાં રાજ્યસભાની ચાર સીટો પર મતદાન યોજાવાનું છે. જ્યારે અત્યારે ગુજરાત વિધાનસભામાં વર્તમાન ધારાસભ્યોની સંખ્યા 179 છે. જ્યારે વિધાનસભાનું કુલ સંખ્યાબળ 182 છે. એટલે કે ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપતા બેઠકો ખાલી પડી છે. એટલે કે આગામી રાજ્યસભાની ચૂંટણીમાં એક ઉમેદવારની જીતના ગણીતની વાત કરીએ તો દરેક ઉમેદવારને જીત માટે 36.8 એટલે કે લગભગ 27 મતની જરૂર પડશે. આમ ભાજપ પાસે પોતાના પોતાના 156 ધારાસભ્યો છે. એટલે કે રાજ્યસભાની આગામી ચૂંટણીમાં ચારેય બેઠકો ભાજપના ખાતામાં જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે