Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : ભાજપ દ્વારા આખરે સોમવારે મોડી રાતે 12 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ બેઠકો પર ઉમેદવારના નામની પસંદગી પર પેચ ફસાયો હતો. લાંબા મંથન બાદ આખરે નામની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક, જ્યાં પેચ અટવાયો હતો, ત્યાં લવિંગજી ઠાકોરને ભાજપે ઉમેદવાર જાહેર કર્યાં છે. તો વડોદરામાં મેયર કેયૂર રોકડિયાને ટિકિટ અપાઈ છે. આ સાથે ભાજપના કુલ 178 બેઠકો પર ઉમેદવાર જાહેર કરાયા છે. માત્ર 4 બેઠકો પર જાહેરાત બાકી છે. માણસા, ખેરાલુ, ગરબાડા અને માંજલપુર બેઠક પર હજી ઉમેદવારની જાહેરાત બાકી છે.
રાધનપુર - લવિંગજી ઠાકોર
પાટણ - ડો.રાજુલબેન દેસાઈ
હિંમત નગર - વીડી ઝાલા
ગાંધીનગર દક્ષિણ - અલ્પેશ ઠાકોર
ગાંધીનગર ઉત્તર - રીટાબેન પટેલ
કલોલ - બકાજી ઠાકોર
વટવા - બાબુસિંહ જાધવ
પેટલાદ - કમલેશ પટેલ
મહેમદાવાદ - અર્જુનસિંહ ચૌહાણ
ઝાલોદ - મહેશ ભુરિયા
જેતપુર - જયંતીભાઈ રાઠવા
સયાજીગંજ - કેયુર રોકડિયા
પાટણમાં વિરોધ છતા રાજુલ દેસાઈને ટિકિટ
વડોદરાની સયાજીગંઠ બેઠક પર ભાજપે શહેરના મેયર કેયુર રોકડિયાને ટિકિટ અપાઈ છે. વડોદરાની આ બેઠક સેફ ગણાય છે. આ બેઠક પર હમેશાથી ભાજપનો ભગવો લહેરાતો હોય છે. ગાંધીનગર ઉત્તરમા પૂર્વ મેયર રીટાબેન પટેલને ટિકિટ અપાઈ છે. કલોલમાં પાટીદાર ઉમેદવારને બદલે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપવામા આવી છે. કલોલમાં આ જ કારણે કોકડું ગૂંચવાયુ હતું. મહેમદાવાદમાં અર્જુનસિંહ ચૌહાણને રિપિટ કરવામાં આવ્યા છે. ટવામાં લાંબી કવાયત બાદ બાબુસિંહ જાદવને ટિકિટ આપી છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના વિરોધ હોવાથી તેમને ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે. જ્યારે કે રાધનપુરમાં પહેલેથી જ લવિંગજી ઠાકોરનું નામ ચર્ચામાં હતું. પાટણમાં રાજુલ દેસાઈના નામ પર વિરોધ થયો હતો, જે કમલમ સુધી પહોંચ્યો હતો. સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધ છતા રાજુલ દેસાઈને ટિકિટ અપાઈ છે. આ ટિકિટ આપીને માલધારી સમાજના ઉગ્ર રોષને શાંત કરવામાં આવ્યો છે. તમામ 12 બેઠકો પર જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે.
4 બેઠકોની જાહેરાત હજી બાકી
ભાજપ દ્વારા કુલ 16 બેઠકો પર ઉમેદવારોની પસંદગી અટવાઈ હતી. જેમાંથી 12 બેઠકો પર ઉમેદવારની જાહેરાત હાલ કરાઈ છે. ત્યારે ચાર બેઠકો પર હજી પેચ ફસાયેલો છે. જેમાં માણસા, ખેરાલુ, ગરબાડા અને માંજલપુર બેઠક પર ઉમેદવારની જાહેરાત હજી ભાજપે બાકી રાખી છે. ત્યારે આવતીકાલે સવારે આ જાહેરાત થાય તેવી શક્યતા છે.
અમિત શાહે બેઠક કરી હતી
ભાજપ દ્વારા જાહેર કરવામાં બાકી 16 ઉમેદવારની મામલે ગઈ કાલે અમિત શાહે 4 કલાક કમલમમાં બેઠક કરી હતી. જેમાં તમામ બેઠક પરની ગૂંચ ઉકેલાઈ હોવાનું કહેવાયુ હતું. અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણની સીટ અપાઈ તેવુ લગભગ ફાઈનલ થઈ ગયુ હતું, કારણ કે રાધનપુરમાં તેમને સ્થાનિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેથી તેમની બેઠક બદલાય તેવી શક્યતા હતી. ગઈકાલે અમિત શાહે મેરેથોન મીટિંગ કરી, પણ ઉમેદવારો અંગે ફેંસલો લેવાયો ન હતો. અમિત શાહે કમલમાં મેરેથોન બેઠકો કરી હતી, જેમાં કેટલીક સીટ પર સહમતી સધાઈ ન હતી. જેથી ગઈકાલે દિવસભર લિસ્ટ જાહેર થઈ શક્યુ ન હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે