Rajkot News ગૌરવ દવે/રાજકોટ : સમગ્ર રાજ્ય અને દેશમાં કોઈ ગરીબ ભૂખ્યો ન રહે તે માટે સરકાર સસ્તુ અનાજ આપે છે. આ અનાજથી અનેક ગરીબોના ઘરમાં ચુલો સળગે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં એવા અનેક ગરીબો છે જે હાલ ભૂખ્યા છે. તેમને ભૂખે રાખવાનું કામ સરકાર અને સરકારીનું વહીવટી તંત્ર કરી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સસ્તુ અનાજ પહોંચ્યું નથી. આ મામલે અનેક રજૂઆતો કરાઈ પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું છે. ત્યારે જુઓ અન્ન વગર ભૂખે મરી રહેલા લોકોનો આ ખાસ અહેવાલ.
સૌરાષ્ટ્રનો ગરીબ વ્યક્તિ હાલ ભૂખે મરી રહ્યો છે. તેની ભૂખ ભાંગવામાં સરકાર કે પછી સરકારી તંત્રને કોઈ રસ નથી. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હજારો ગરીબોના ઘરે ચુલો નથી સળગી રહ્યો. કારણ કે તેમની પાસે કાચુ અનાજ નથી. સરકારમાંથી મળતું સસ્તુ અનાજ તેમના સુધી પહોંચ્યું નથી. જ્યારે તેઓ સસ્તા અનાજની દુકાન પર અનાજ લેવા માટે જાય ત્યારે જવાબ મળે છે કે અનાજનો સ્ટોક નથી. અને આ કહીં આજકાલનું નહીં પણ ઘણા સમયથી ચાલુ રહ્યું છે. છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું.
સસ્તા અનાજની દુકાન પર અનાજનો જથ્થો ઉપરથી નથી આવી રહ્યો તેવું દુકાન સંચાલકોનું કહેવું છે. ચોખા, ખાંડ, દાળ, ચણા સહિત જથ્થો ઉપરથી જ ઓછો આવી રહ્યો છે. જેના કારણે દુકાન સંચાલકોનું ગ્રાહક સાથે ઘર્ષણની પણ ઘટનાઓ વધી ગઈ છે. આ મામલે દુકાનદારોએ અનેક વખત ઉપર રજૂઆત કરી છે છતાં પણ પુરવઠા વિભાગ કે પછી પુરવઠાના કોઈ અધિકારી કંઈ પણ સરખો જવાબ નથી આપતાં.
સરકાર પાસે જથ્થો નથી કે પછી સંકલનનો અભાવ છે તે તપાસનો વિષય છે. પરંતુ ગરીબોને જે ભૂખે મરવાનો વારો આવ્યો છે તે મામલે અમે રાજકોટમાં કેટલાક સસ્તા અનાજની દુકાન પર જઈની રિયાલિટી ચેક કર્યું. તો જાણવા મળ્યું કે સામાન્ય રીતે 16થી 18 તારીખ વચ્ચે ઉપરથી અનાજની જથ્થો આવી જતો હોય છે. પરંતુ આ વખતે હજુ સુધી આવ્યો નથી. તો એવું પણ જાણવા મળ્યું કે ડોર સ્ટેપ એજન્સી દ્વારા જાણી જોઈને મોડું વિતરણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
સરકાર જે સસ્તુ અનાજ આપે છે તેની ગુણવત્તાને લઈ અનેક વખત સવાલો ઉઠ્યા છે. અનેક નેતાઓ પણ આ મામલે સવાલો ઉઠાવી ચુક્યા છે. પરંતુ બધુ જ પોલંપોલ ચાલી રહ્યું છે. હવે તો હલકી ગુણવત્તાવાળુ અનાજ પણ લોકોને નથી મળી રહ્યું. ત્યારે આ મામલે સરકારી તંત્ર ક્યારે કોઈ ઉચિત જવાબ આપે છે અને ક્યારે અનાજ ફરી ચાલુ કરાવે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે