Rajkot News : સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને બદનામ કરવાની ચર્ચા કરતા જિગીષા પટેલ અને બન્ની ગજેરા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે સમગ્ર મામલે ખોડલધામથી મોટું નિવેદન સામે આવ્યું છે.
બન્ની ગજેરા અને જિગીષા પટેલ દ્વારા નરેશ પટેલને બદનામ કરવાનો મામલામાં ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે. નરેશ પટેલ સમાજ માટે અનેક સેવા કીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવાનું આ હીન પ્રયાસ છે.
તેમણે કહ્યું કે, બન્ની ગજેરા અને જીગીશા પટેલની ઓડિયો ક્લિપ સામે આવી ત્યારે ખોડલધામ સાથે જોડાયેલા અનેક યુવાનોના ફોન આવ્યા. પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ. જીગીશા પટેલ એવું નિવેદન આપે છે કે આ AI દ્વારા બનાવવામાં આવેલી ઓડિયો ક્લિપ છે. તો આ મામલે જીગીશા પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ.
નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર! પાટીદાર નેતા જિગીષા પટેલની ઓડિયો ક્લિપ વાયરલ
ખોડલધામના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, જીગીશા પટેલ પણ આમાં બદનામ થાય છે તો એમને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જેના કારણે ખરેખર આ ઓડિયો ક્લિપ કોના દ્વારા વાયરલ કરવામાં આવી છે કયા કારણોસર વાયરલ કરવામાં આવી છે તે સામે આવી શકે છે.
ગોંડલ, જ્યાં પાટીદાર સમાજની 80 ટકા વસ્તી હોવા છતાં, છેલ્લા ત્રણ દાયકાથી જાડેજા પરિવારનું રાજકીય વર્ચસ્વ રહ્યું છે. પરંતુ તાજેતરમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે ગોંડલમાં પાટીદાર એકતાને મજબૂત કરવા પ્રયાસો શરૂ કર્યા. 27 એપ્રિલે અલ્પેશ કથીરિયાની રેલી દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકો સાથે માથાકૂટ થઈ, અનેક અનેક ગાડીના કાચ તુટ્યા હતા. આ વિવાદ ત્યારે વધુ ગાઢ બન્યો જ્યારે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. આ કથિત ક્લિપમાં પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ યુટ્યુબર બન્ની ગજેરાને નરેશ પટેલને બ્લેકમેલ કરી રૂપિયા પડાવવાની સલાહ આપતા સંભળાય છે. ક્લિપમાં એક સીડીની ચર્ચા પણ થઈ રહી છે, જે નરેશ પટેલને મોકલવાની વાત છે.
નરેશ પટેલ, ખોડલધામના પ્રણેતા અને લેઉવા પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા, લાંબા સમયથી સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું નામ રાજકીય ચર્ચાઓમાં અવારનવાર ઉછળે છે, પરંતુ આ ઓડિયો ક્લિપે તેમની પ્રતિષ્ઠાને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ ઓડિયો ક્લીપમાં નરેશ પટેલ વિશે જે વાત કરવામાં આવી તે કેટલી સત્ય છે તે તો તપાસનો વિષય છે.
10 વર્ષના બાળકે દિલ જીતી લીધું! ગુલ્લકના રૂપિયા સૈનિકોના કલ્યાણ માટે દાન કર્યાં
પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયાએ આ મામલે નરેશ પટેલનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે આ લેભાગુ તત્વોનું કાવતરું છે, જે સમાજની એકતાને તોડવા માગે છે. તેમણે પોલીસને આ ઓડિયો ક્લિપની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ બધાની વચ્ચે નિલીખ દોંગાનું નામ પણ ચર્ચામાં છે. ગુજસીટોક કેસમાં જામીન પર બહાર આવેલા નિલીખ દોંગા ફરી જેલમાં જઈ શકે છે. એવું સામે આવ્યું છે કે બન્ની ગજેરા નિલિખ દોંગા માટે કામ કરે છે. આ એ જ બન્ની ગજેરા છે, જેની સામે નેતાઓને બદનામ કરવાના 6 કેસ નોંધાયેલા છે, જે રાજકીય ગરમાવાને વધુ વેગ આપે છે.
સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હંમેશાં પ્રભાવશાળી રહ્યું છે, પરંતુ આ વિવાદે સમાજની અંદરની ફૂટને ઉજાગર કરી છે. શું આ ઓડિયો ક્લિપ રાજકીય ષડયંત્રનો ભાગ છે? શું નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે?... આ પ્રશ્નોના જવાબ હવે પોલીસ તપાસ અને સમય જ નક્કી કરશે.
હવે જોવું એ રહ્યું કે, સૌરાષ્ટ્રનું રાજકારણ હવે શું વળાંક લેશે?...શું પાટીદાર સમાજની એકતા આ વિવાદમાંથી બહાર આવશે?
લગ્નના 25 માં દિવસે પતિનો આપઘાત, પત્નીની પ્રેમલીલાની પોલ ખોલતી સ્યૂસાઈડ નોટ છોડી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે