Home> Gujarat
Advertisement
Prev
Next

Biporjoy Cyclone: સંકટ પહેલાનું નુકસાન , તોફાની મોજા અને પવન વચ્ચે 25 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

Biporjoy Cyclone: ગુજરાતની માથે મોટી ઘાત આવી રહી છે. 15 મેએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. દરિયાકાંઠાના વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. 

Biporjoy Cyclone: સંકટ પહેલાનું નુકસાન , તોફાની મોજા અને પવન વચ્ચે 25 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડું સતત ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોનું હવામાન તે પહેલા જ વાવાઝોડાની તીવ્રતાની ચાડી ખાય છે. દરિયામાં ઉછળતા મોજા અને તોફાની પવનોએ અત્યારથી જ જીવલેણ સ્વરૂપ લઈ લીધું છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેવું મોતને આમંત્રણ આપવા સમાન સાબિત થઈ રહ્યું છે.

fallbacks

દરિયામાં ઉછળતા ઉંચા મોજા, કાંઠા તરફ આવતા મોજાનો વધેલો વેગ અને સુસવાટા મારતા પવનો, આ તમામ પરિબળો તેની પાછળ આવતા વિકરાળ વાવાઝોડાના સંદેશાવાહક છે. 

વાવાઝોડું ત્રાટકવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવઝોડાની અસર વર્તાઈ રહી છે. ભારે કરંટને કારણે દ્વારકામાં દરિયામાં 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે, જેને જોતાં દ્વારકાની ઓળખ સમો ગોમતી ઘાટ બંધ કરાયો છે. કાંઠે રહેતા બે હજારથી લોકોનું  સ્થળાંતર કરાયું છે.

બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ત્રાટકવાની આગાહી છે, ત્યારે જખૌના કાંઠે વાવાઝોડાની અસર પણ દેખાઈ રહી છે. ધૂળની ડમરીઓ સાથે દરિયામાં કરન્ટ વધ્યો છે. કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. બોટને સલામત જગ્યાએ ખસેડાઈ છે. કચ્છ માટે તંત્ર સૌથી વધુ એલર્ટ મોડ પર છે..

વાવાઝોડાની અસર વચ્ચે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે.. ચોપાટી પર બેસવા માટે મૂકાયેલા સિમેન્ટના બાંકડા પણ દરિયાના મોજા સામે ઝીંક નથી ઝીલી શક્યા અને તૂટીને વિખરાઈ ગયા. દરિયાના તોફાન વચ્ચે કેબિનો પણ ફંગોળાઈ ગઈ છે..

વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ નુકસાનની શરૂઆત થઈ ગઈ છે. આ દ્રશ્યો ગીર સોમનાથના દરિયાકાંઠે આવેલા માઢવાડ ગામના છે, જ્યાં દરિયામાં ઉછળતા ઉંચા મોજાની ઝપેટમાં આવીને 6 મકાનો તૂટી ગયા. કેટલાક નામપૂરતા ટકી રહ્યા છે, તો કેટલાક મકાનો જમીનદોસ્ત થયા છે. આ સ્થતિ વાવાઝોડાં પહેલાની છે.

કચ્છના ભુજમાં દીવાલ ધરાશાયી થતા 2 બાળકોએ જીવ ગુમાવ્યા, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયું છે. ભારે પવનને કારણે મકાનની દીવાલ પડી ગઈ, કુદરતના ખૌફમાં બાળકોના જીવ હોમાઈ ગયા. 

વેરાવળમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હજુ 17 જૂન સુધી વરસાદની આગાહી છે. 

પવન વચ્ચે જો પાકા મકાનો નથી ટકી શકતા, ત્યાં દરિયાના મોજા વચ્ચે રેતીનો પાળો ક્યાંથી ટકે. પોરબંદરના કુછડી ગામે દરિયાના મોજા સતત અથડાતા દરિયાકાંઠે બનાવેલો પાળો તૂટી ગયો. દરિયાના પાણી ગામમાં પ્રવેશતા રોકવા માટે બનાવેલો પાળો તૂટી જતા હવે ગામ પર જોખમ તોળાય છે..

વાવાઝોડા પહેલાનો વરસાદ જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે, રાજકોટના જસદણમાં બાઈક પર જતા દંપતી પર વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મૃત્યુ થયું હતું.

વાવાઝોડાની સૌથી ઘાતક અસર ગુજરાતના બંદરો પર થઈ શકે છે, ત્યારે મોટાભાગના મહત્વના બંદરો પર 10 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. જામનગરના તમામ બંદર પર 10 નંબરના સિગ્નલ છે. દ્વારકાના ઓખા, મોરબીના નવલખી બંદર, પોરબંદર, કચ્છના કંડલા અને માંડવી બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયા છે.

આ પણ વાંચો- Biporjoy: સંકટ સામે સરકારની તૈયારી, દરિયાકાંઠાના જિલ્લાઓમાં NDRFની ટીમો ખડે પગે

કુદરતી આફત સામે લોકો કુદરતને ભરોસે થઈ જાય છે. વ્યક્તિની આસ્થા પ્રબળ બની જાય છે. તેના જ ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે એકસાથે બે ધજા ચઢાવાઈ છે. મંદિરના સદીઓના ઈતિહાસમાં આમ પહેલી વાર બન્યું છે, જ્યારે એકસાથે બે ધજા ચઢાવવામાં આવી છે. સલામતીના ભાગરૂપે મુખ્ય ધજાને અડધી કાઢીએ પણ ફરકાવવામાં આવી છે. ભૂતકાળની કુદરતી આફતોનો જોતાં આ વખતે પણ લોકોને વિશ્વાસ છે કે દ્વારકાધીશ દ્વારકાને આંચ નહીં આવવા દે.

ગુજરાત માટે આવતા 3 દિવસ નિર્ણાયક છે. જો વાવાઝોડું ફંટાઈ જશે તો મોટી ઘાત ટળશે અને ત્રાટકશે, તો તંત્ર અને લોકોની પરીક્ષા થશે. 

વાવાઝોડાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More