જયેશ દોશી/નર્મદા :ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ રાજીનામું આપ્યું છે. મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પક્ષમાંથી રાજીનામું મોકલ્યું છે. તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોથી પક્ષને નુકસાન ન પહોંચે તે કારણ આપીને પક્ષને રાજીનામું સોંપ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. જોકે, હજી સુધી પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હાલ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે. ત્યારે મનસુખ વસાવાએ પક્ષની કામગીરી સામે સવાલો કરીને રાજીનામુ ધર્યુ છે.
પત્રમાં શું ઉલ્લેખ કર્યો
તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ.
આ પણ વાંચો : શેહશરમ રાખ્યા વગર બેરોજગાર બનેલા રાજકોટના ટ્યુશન સંચાલકે શરૂ કરી પાણીપુરીની લારી
લોકોના હિત માટે સરકાર સામે લડ્યા
સાસંદ મનસુખ વસાવા લોકોનું હિત જોતા હોય છે. તે માટે તેઓ સરકાર સામે પણ લડતા હોય છે. તાજેતરમાં જ ઈકો સેન્સિટિવ ઝોન મામલે પણ તેઓ સરકાર સામે પડ્યા હતા. લોકોનો અવાજ સાંભળીને સરકારની વિરુદ્ધ પડ્યા હતા. તેમણે આ કાયદો રદ કરવા અનેકવાર સરકારમાં રજૂઆત કરી ચૂક્યાં છે. આ મામલે તેઓએ સરકારને વખોડીને પ્રજા સાથે રહ્યાં છે. કદાચ તેઓએ પત્રમાં આ જ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે લઈને પક્ષમાં મનદુખ થયુ હોય તેવી શક્યતા છે. તેઓ સતત 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયા છે.
મનસુખ વસાવાના રાજીનામા પર એક્સપર્ટ વ્યૂ
આ રાજીનામા અંગે રાજકીય વિશ્લેષક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં રિસામણા મનામના ચાલતા હોય છે. મનસુખ વસાવા સામે કાર્યકર્તાઓમાં અસંતોષ પણ હતો. છેલ્લાં કેટલાક વર્ષોમાં આદિવાસી વિસ્તારમાં સરકારે મોટું કામ કર્યું હતું, અને તેમાં સફળતા મળી હતી. તેમાં મનસુખ વસાવાનું પણ યોગદાન હતું. આ એક આદિવાસી બેલ્ટનું રાજકારણ છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ બીટીપીના છોટુ વસાવા પણ ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની પાર્ટીની એન્ટ્રી થશે તેવું જાહેર કરી ચૂક્યા છે. ગુજરાત જનસંધના 1975ના પ્રમુખ આદિવાસી હતા, તેઓએ પાર્ટીને આ વિસ્તારમાં મજબૂત બની હતી. હાલ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો દક્ષિણ ગુજરાતમાં હોલ્ટ છે. આવામાં મનસુખ વસાવાનું જવુ પાર્ટીને અસર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે