નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ દ્વારા કાર્યકરોને ખુશ કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ફરી એકવાર બોર્ડ નિગમોમાં નેતાઓને ઉચ્ચી પોસ્ટ, પદ-પ્રતિષ્ઠા, ગાડી-બંગલો આપીને ખુશ કરવા પ્રયાસો થઈ રહ્યાં છે. એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છેકે, ફરી એકવાર બોર્ડ નિગમોમાં નિમણૂંકો કરવામાં આવશે. તેના માટે મહાનગરો અને જિલ્લા પ્રમુખો પાસેથી ભાજપે નામોની યાદી મંગાવી છે. ભાજપનું મોવળી મંડળ આ નામોને ચકાસીને તે અંગે નિર્ણય લેશે.
લોકસભાની ચૂંટણી જીતવા ભાજપે અત્યારથી કમર કસી છે. સાથે સાથે કરી એકવાર બોર્ડ નિગમમાં ચેરમેનપદનુ ગાજર લટકાવવામાં આવ્યુ છે. ભાજપે લોકસભા બોર્ડ નિગમમાં ખાલી પડેલા ચેરમેનપદે નિમણૂંક કરવા કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાય વખતથી ૫૦થી વધુ બોર્ડ નિગમમાં ચેરમેન-ડિરેકટરીની જગ્યાઓ ખાલી પડી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ય બોર્ડ નિગમમાં નિમણૂંકો થશે તેવુ બહાનુ ધરીને દાવેદારો પાસેથી ચૂંટણીલક્ષી કામ કાઢી લેવાયુ હતું. પણ હજુ સુધી કોઇ નિમણુંકો કરાઈ નથી. આમ ભાજપ દ્વારા છેલ્લે સુધી કાર્યકરો અને નેતાઓને પણ સસ્પેન્સમાં રાખવામાં આવ્યાં છે.
ત્યારે એવું પણ જાણવા મળ્યું છેકે, પદ અને પ્રતિષ્ઠા મેળવવા હાલ દરેક નેતાઓએ પોતપોતાની રીતે લોબિંગ શરૂ કરી દીધું છે. એ જ કારણ છેકે, હાલના દિવસોમાં ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશના ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પર નેતાઓ અને દાવોદારોના આંટાફેરા વધી ગયા છે. બધા પોતપોતાની રીતે કમલમમાં જઈને બોર્ડ નિગમમાં ચેરમેન પદ મેળવવા ગોઠવણ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે