બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 29 એપ્રિલથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ અમદાવાદમાં મંડળ સ્તરના 7 હજાર કાર્યકરોને સંબોધન કરશે. ભાજપ અધ્યક્ષ આગામી વર્ષ સુધી ચૂંટણી આવવાની હોય તેવા તમામ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે, જે અંતર્ગત તેમણે હિમાચલ પ્રદેશ, કર્ણાટકની મુલાકાત લઈ લીધી છે અને હવે ગુજરાત આવી રહ્યા છે ત્યારબાદ રાજસ્થાનની પણ મુલાકાત લેશે.
જે.પી.નડ્ડાનો ગુજરાત પ્રવાસ
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનો આ પ્રવાસ ખૂબ મહત્વનો એટલા માટે રહેશે, કારણકે ગત સપ્તાહે જ ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવીને ગયા અને સંગઠન તેમજ સરકારની કામગીરીની સમીક્ષા કરી. તેમના ચૂંટણીલક્ષી આયોજનો બાદ ભાજપ અધ્યક્ષનો ગુજરાત પ્રવાસ કાર્યકરોમાં જુસ્સો વધારનારો રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને આધારે ભાજપ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવે તે માટે જે.પી.નડ્ડા માર્ગદર્શન આપશે. કાર્યકરો ઉત્સાહિત થઈને કામ કરે તે માટે પણ તેઓ વાત કરશે. દેશના સાંપ્રત મુદ્દાઓ અંગે તેઓ ચર્ચા કરશે. ભુપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પહેલો પ્રવાસ છે, ત્યારે તેને સફળ બનાવવા પ્રદેશ ભાજપ કવાયત કરી રહ્યું છે અને એટલે જ તેમને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં પણ હાજર રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષના આ કાર્યક્રમ હેઠળ બીજો કાર્યક્રમ સુરત જિલ્લામાં યોજવા જઈ રહ્યો છે. જેના આધારે સમગ્ર દેશમાં એક સંદેશ અપાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે