Manrega Scam : મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ છે કે, ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી. ભાજપ-કોંગ્રેસ બધાને હપ્તા મળ્યા. ભાજપ-કોંગ્રેસ-AAPના ધારાસભ્યો-નેતાઓ સામેલ ચછે,
મનરેગા કૌભાંડના રેલા હવે નેતાઓ સુધી પહોંચી રહ્યાં છે. આ કૌભાંડમાં અનેક નેતાઓ સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ વચ્ચે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.
સાથે જ તેમણે કહ્યું કે, વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે, તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે. મનસુખ વસાવા આટલાથી અટક્યા નથી. તેમણે છેક ગાંધીનગરવાળાએ કટકી ખાધાનો ખુલાસો કર્યો છે.
મનસુખ વસાવાએ કહ્યું કે, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત તમામને ફંડ આપવામાં આવ્યું છે, અને આ મામલે ગાંધીનગરથી તપાસની શરુઆત થવી જોઈએ. ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી અને દીવા તળે અંધારું છે એ જોતા નથી. આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે, જેમાં દરેક પક્ષના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આમ, ભરુચના મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોએ રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો છે.
મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાનું નિવેદન
સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ બાબતે ખુલાસો કર્યો હતો તેની સામે ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે, ભાજપના સાંસદે કહ્યું હતું કે ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે અને જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો અને સાંસદોને પણ કૌભાંડીઓએ હપ્તા આપ્યા છે. મનસુખ વસાવાની જ સરકાર છે અને તેમને કહ્યું તે સાચી વાત છે. ગાંધીનગર સુધી આ કૌભાંડનું જળ છે. જો તપાસ કરાવવામાં આવે તો બધા લોકો સંડોવાય તેમ છે. પહેલા જ્યારે મેં આ વાત કરી હતી ત્યારે મનસુખ વસાવાએ ના કહી હતી કે એવું કોઈ કૌભાંડ થયું જ નથી. આજે સાંસદ જાતે જ કહે છે કે ઉપર સુધી હપ્તા પહોંચે છે આ કહેવા બદલ સાંસદ ને અભિનંદન આપું છું.
ચૈતર વસાવાએ કહ્યું કે, આ જલારામ એજન્સીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાવનારા જ મનસુખ વસાવા છે. આ એજન્સીઓ સાથે નર્મદા સુગર ફેકટરી અને કરજણ ગેસ્ટ હાઉસ ખાતે મનસુખ વસાવાએ ઘણી વાર મીટિંગો કરી છે. મનસુખભાઇ પાસે જે ડેટા છે તે ડેટા જગજાહેર કરે અને જેને પણ કટકી ખાધી છે તેમના નામ પણ જાહેર કરે અને કેટલી રકમ લીધી છે તે પણ જાહેર કરે તેવી વિનંતી છે. 7 ટર્મના ભાજપના સાંસદ આટલા મોટા કૌભાંડથી માહિતગાર કરે છે જેથી તેની તપાસ થવી જ જોઈએ. અમે ક્યારેય કોઈ એજન્સી સાથે બેઠા નથી કે આ એજન્સીઓથી પરિચિત પણ નથી.
દાદાનું બુલડોઝર નાના લોકો પર ફરે છે અને રાજ્યના ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, તો હવે આ મોટા કૌભાંડીઓ પર બુલડોઝર કયારે ફરશે ચૈતર વસાવાએ માંગ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે