અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેના કારણે પ્રદેશ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયેલું છે. હવે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઇને ધમધમાટ શરૂ થયો છે. આજે દિલ્હીથી ભાજપના બે નિરીક્ષકો અમદાવાદ આવ્યા છે. તેઓ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને અભિપ્રાય મેળવશે. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરાશે. ગુજરાત ભાજપમાં હજુય જિલ્લા પ્રમુખથી માંડીને પ્રદેશના સંગઠનનું કોકડુ ઉકેલાયુ નથી.
દિલ્હીથી આવ્યા બે નિરીક્ષકો
જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. માનીતાઓને ગોઠવવાની લ્હાયમાં હજુ સુધી જિલ્લા પ્રમુખોના નામ જાહેર થયા નથી. નવેમ્બરમાં જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠનની નિમણૂંક કરી દેવા નક્કી કરાયુ હતું, પણ હજુ કોઇ ઠેકાણા નથી. આજે દિલ્હીથી ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ અને વી.સતીશ નિરિક્ષક તરીકે આવ્યા છે.
બંને નિરીક્ષકોના આવ્યા બાદ ભાજપ ઓફિસ કમલમ ખાતે બેઠકોનો દોર ચાલશે. પહેલા પ્રદેશના નેતાઓ સાથે બેઠક થશે અને બપોર બાદ સંગઠનના મોરચાના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રભારીની મુલાકાત સાથે લાંબા સમયથી અટકેલા સંગઠનના મુદ્દાનો ઉકેલ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
જોકે કહેવાય છે કે, ભાજપની અટકેલી સંગઠન સંરચનાની કામગીરી અંતિમ તબક્કામાં છે. પ્રદેશ સંગઠનમાં જિલ્લા પ્રમુખોની નિમણૂંકની કામગીરી પણ લટકેલી છે. અગાઉ વી સતિષની મુલાકાત દરમિયાન જિલ્લા પ્રમુખોના નામ પર ચર્ચા થઈ હતી. ત્યારે હવે બંને નિરીક્ષકો સાથે પ્રદેશ સંગઠનને લઈને ચર્ચા થશે. ત્યારે હવે ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી છે.
આ ઉપરાંત રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાનાર છે, જેમાં ભાજપે આ વખતે એક બેઠક ગુમાવવી પડશે. જેના કારણે આ ત્રણેય બેઠકો જળવાયેલી રહે તે માટે ય પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ભાજપ કોઇ નવુ રાજકીય ગતકડુ શોધી લાવે તેવી વેતરણમાં છે. એકાદ બે દિવસમાં જ પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે