રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે બંદૂકની અણીએ કારમાં અપહરણ કરી રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્રએ તેના મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પીડિતાની ફરિયાદ પરથી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્ર અને તેના મિત્રોએ સાથે મળી ગેંગરેપ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર બનાવ પર નજર કરીએ તો, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામની પીડિતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી હતી અને ત્યાં તેમને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ કરી હતી. જે અંગે પોલીસે પીડિતાનું નિવેદન નોંધી તેમના પર દુષ્કર્મ આચરનાર ભાજપ અગ્રણી અને રામોદ ગામના સરપંચ પુત્ર અમિત પડાળીયા અને તેના બે મિત્રો વિપુલ સેખડા અને શાંતિ પડાળીયા સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાના જણાવ્યા મુજબ ગઇકાલે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં પીડિતા સારવાર અર્થે આવી હતી અને તેને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં તે જ્યારે ઘરે હતી ત્યારે 3 લોકો સફેદ કલરની કારમાં આવ્યા હતા. બાદમાં બંદૂકની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવી મહિલા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રામોદ ગામ ખાતે થોડા સમય પૂર્વે થયેલ માથાકૂટને ધ્યાનમાં રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સાથે જ ભાજપ અગ્રણી અને રામોદ ગામના સરપંચ પુત્ર સહિત 3 સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે