હિમાશું ભટ્ટ/મોરબી: ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે બીએસએફ, સીઆરપીએફ સહિતના જવાનો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ રેલીનું આયોજન કર્યું છે. જે રેલી આજે સાંજના સમયે વરસતા વરસાદમાં મોરબી આવી પહોચી હતી. ત્યારે મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ હાજર રહીને જવાનોની રેલીનું સ્વાગત કર્યું હતું અને તેનો ઉત્સાહ વધાર્યો હતો.
ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરથી લઈને તેમના અંતિમ સ્થળ એટલે કે દિલ્હીના રાજઘાટ સુધી બીએસએફ, સીઆરપીએફ સહિતના જવાનો દ્વારા સાયકલ રેલીનું આયોજન કર્યું છે અને આ રેલી દરમ્યાન સ્વચ્છતા, અહિંસા પરમો ધર્મ, સહિતના ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોચાડવામાં આવશે અને ખાસ કરીને તાજેતરમાં દેશના વડાપ્રધાને ફીટ ઇન્ડિયાનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે તેને પણ ધ્યાનમાં રાખીને આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરથી નીકળેલી આ રેલી આજે મોરબી જીલ્લામાં આવી હતી. ત્યારે જુદાજુદા ગામના લોકો દ્વારા રસ્તામાં ઉભા રહીને જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટંકારા તેમજ મોરબી ખાતે મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ હાજર રહીને જવાનોની રેલીનું સ્વાગત કર્યું હતું. જવાનો આજે રાતના મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે રોકવાના હોવાથી તેને જે પણ જરૂરિયાત હોય તેના માટેની તમામ વ્યવસ્થા મોરબી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે