હિતલ પારેખ/ગાંધીનગર :એક તરફ ગુજરાતમાં કોરોના (Corona virus) પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ તબગિલી જમાત (Tablighi Jamaat) કાર્યક્રમે મોટો બોમ્બ ફોડ્યો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકોએ આ કાર્યક્રમ (Nizamuddin Markaz) માં હાજરી આપી હતી. આ માહિતી સામે આવતા જ તમામ લોકોની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે. ગુજરાતના વિવિધ શહેરોમાંથી તબગિલી જમાતના કાર્યક્રમમાં લોકો ગયા હોવાનુ ખૂલ્યું છે. આવામાં પોલીસ સ્કૂટિની કરીને તમામને આઈડેન્ટીફાઈ કરી રહી છે. દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાના મુદ્દે આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 1500 લોકોની યાદી ગુજરાત સરકારને સોંપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય
દ્વારા ગુજરાતના તમામ કલેકટરોને 1500ના નામોવાળી યાદી આપવામાં આવી ગઈ છે.
માઇક્રો પ્લાનિંગ કરીને શોધવામાં આવી રહ્યા
ગુજરાતમાંથી તબગિલી જમાતના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા લોકો અંગે જયંતી રવિએ જણાવ્યું કે, દિલ્હીથી યાદી આવી ગઈ છે. તમામ જિલ્લા કલેક્ટરોને યાદી મોકલી દેવામાં આવી છે. દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને આવેલા તમામ લોકોને માઇક્રો પ્લાનિંગ કરીને શોધવામાં આવી રહ્યા છે. ગઈકાલે હોમ ડીપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ નેટવર્ક થકી કામગીરી કરવામાં આવી રહી છે.
સૌથી વધુ સુરતના 76 લોકો
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત સુધી ગૃહ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. કાર્યક્રમમાંથી ગુજરાત પરત ફરેલા લોકોની સ્કુટિની કરાઈ રહી છે અને લોકેશન મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ સુરતના 76 લોકો હોવાનું સૂત્રનું કહેવુ છે. જેમાંથી 42 લોકોને આઈડેન્ટીફાઈ કરાયા છે. આ તમામને આઈસોલેશનમાં રખાયા છે. તેમજ આ તમામ લોકો આવ્યા બાદ કોના કોના સંપર્કમા આવ્યા હતા તે તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. સુરત ઉપરાંત, ભાવનગર, વલસાડ, વડોદરા, આણંદ અને બનાસકાંઠામાં પણ કેટલાક લોકો હોવાનું કહેવાય છે.
રાજકોટમાં એકપણ નહિ
રાજકોટ માટે સારા સમાચાર એ છે કે, દિલ્હીના નિઝામુદ્દીન ખાતે રાજકોટના એક પણ વ્યક્તિ હાજર ન હતા. કુલ 36 લોકોની સંભવિત યાદી આવી હતી. જોકે તમામની ચકાસણી કરતા એક પણ વ્યક્તિ દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર ન હોવાનું સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
વડોદરામાં 5ની અટકાયત
વડોદરામાંથી દિલ્હીના તબલિગ જમાતમાં ગયેલ 5 લોકો સામે આવ્યા છે. વડોદરા એસઓજીએ પાંચ શખ્સની અટકાયત કરી છે. આ તમામ હરીયાણાના પાણીપત ખાતે તબલિગ જમાતમાં ગયા હોવાનું ખૂલ્યું છે. આરોગ્ય વિભાગે તમામ પાંચ ઈસમોને હોમ ક્વોરન્ટાઈન કર્યાં છે. અન્ય લોકોની પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ શોધખોળ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે