ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે અંદાજે ૧૦૦૩ કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે. આ ફેઝ-૨ અંતર્ગત સ્ટ્રેચ-૧માં એસ.પી. રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ-૨માં વિંઝોલ વહેળાથી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-૩ અન્વયે ઘોડાસર (આવકાર હોલ)થી વટવા ગામ અને સ્ટ્રેચ-૪ તથા ૫માં વટવા ગામથી એસ.પી. રીંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરશે.
તદઅનુસાર, આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલોપમેન્ટ, રિટેઈનિંગ વોલ, વોટર સપ્લાય પાઇપલાઇન, ઇરીગેશન સ્ટ્રક્ચર, સ્ટોર્મ વોટર એક્સટેન્શન, સિવર સિસ્ટમ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતી સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત ખારીકટ કેનાલની કુલ લંબાઈમાંથી ફેઝ-૧માં સમાવિષ્ટ કામો બાદ બાકી રહેતી લંબાઇમાં એસ.પી. રીંગ રોડથી મુઠીયા ગામ થઈને નરોડા સ્મશાન ગૃહ સુધી તથા વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા થઈને એસ.પી. રીંગ રોડ સુધીની હયાત ખારીકટ કેનાલ હાલ ખુલ્લામાં છે.
એટલું જ નહીં, સમયાંતરે અમદાવાદ શહેરનો વ્યાપ વધતા કેનાલની બન્ને તરફ થયેલા વિકાસને કારણે કેનાલ બેડમાં ઘન કચરાનું મિશ્રણ થતાં કેનાલનું પાણી પ્રદૂષિત થવાને લીધે જાહેર આરોગ્યને પણ હાની પહોંચવાની સમસ્યા રહે છે. આ ઉપરાંત ખારીકટ કેનાલની બન્ને તરફના ટી.પી. વિસ્તારોને કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઊભા થતાં હોય છે.
આ પણ વાંચોઃ “સુધરી જાવ કે જેલમાં જાવ” વિધાનસભામાંથી હર્ષ સંઘવીએ આવા લોકોને આપી ચેતવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમસ્યાઓના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવેલી છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કા ફેઝ-૧માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની ૧૨.૭૫ કિલોમીટરની લંબાઈમાં કેનાલ ડેલવલપમેન્ટની કામગીરી અન્વયે ૮૦ ટકા કામ પૂર્ણ થયુ છે. આ હેતુસર ફેઝ-૧ માટે ફાળવવામાં આવેલા ૧૩૩૮ કરોડ રૂપિયામાંથી અત્યાર સુધીમાં રૂ.૭૦૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે, આ ખારીકટ કેનાલની ફેઝ-૧ સિવાયની બાકી રહેતી લંબાઇમાં ફેઝ-૨ અંતર્ગત વિવિધ પાંચ સ્ટ્રેચમાં હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરીને મંજૂરી આપી છે. આ હેતુસર ફેઝ-૨ અંતર્ગતના કામોની સંપૂર્ણ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે