ગાંધીનગરઃ તાજેતરમાં મહી નદી પર બનેલો પૂલ ધરાશાયી થતાં 21 જેટલા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ સરકાર અને તંત્રની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યાં છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને નવેમ્બર ૨૦૨૪માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પાદરા અને આંકલાવને જોડતો આ નવો પૂલ ૧૮ માસમાં બનાવવા તાબડતોડ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ગત નવેમ્બર મહિના માં મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.
એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પૂલ બનાવવાની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
આ પણ વાંચોઃ વરસાદના બીજા રાઉન્ડ માટે રહો તૈયાર, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આગાહી
માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી ૭ મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના ૪.૨ કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.
દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. ૨૧૨ કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી ૧૮ માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે