અમદાવાદ: પ્રખ્યાત નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શોએ કહ્યું છે કે ‘આહાર પ્રત્યેના પ્રેમથી વધુ ગંભીર પ્રેમ કોઈ જ ના હોઈ શકે.’ શોની આ ઉક્તિને આહારપ્રેમી અમદાવાદના નાગરિકો સિવાય કોણ યથાર્થ પુરવાર કરી શકે! ઉત્તમ આહાર માટેના શહેરીજનોના અનહદ પ્રેમને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફૂડ ફેસ્ટિવ 2018 આગામી 21-23 ડિસેમ્બર, 2018થી જીએમડીસી ગ્રાઉન્ડની ઉત્સવ લોન ખાતે શરૂ થવા જઈ રહ્યો છે.
ફૂડ ફેસ્ટિવની આ ચોથી આવૃત્તિમાં ભારતીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યંજનોની 1200થી વધુ વેરાયટી રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસ ચાલનારો આ ફેસ્ટિવ આહારના શોખીનો દ્વારા શહેરના ફૂડ લવર્સ માટે યોજાઈ રહ્યો છે. ફાઈવ સ્ટાર, ફાઈન ડાઈન, સ્ટ્રીટ ફૂડ તથા કાફે- એમ ચાર શ્રેણીમાં કૂલ 92 સ્પર્ધકો ભાગ લેશે જેઓ તેમના આગવા વ્યંજનો રજૂ કરવાની સાથે જ મહેમાનોને ફેસ્ટિવ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલ વાનગીઓનો સ્વાદ પણ ચખાડશે.
આ વર્ષનો ફેસ્ટિવ તેમાં યોજાનારા માસ્ટર ક્લાસને લીધે વિશેષ બન્યો છે. માસ્ટર શેફ, ટીવી શો હોસ્ટ, જજ તથા ફૂડ સ્ટાઈલિસ્ટ રણવીર બ્રાર 22 ડિસેમ્બરના રોજ આ ક્લાસ લેશે જેમાં તે વિવિધ વ્યંજનો બનાવવાના કેટલાંક રહસ્યો જણાવશે. વિશ્વભરમાં ઓથેન્ટિક ક્યુઝિનનો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે, અને ગોરમે ડિશિસ, એક્ઝોટિક ક્યુઝિન્સ તથા ફેસ્ટિવ રેસિપીની એક જ સ્થળે હાજરીને કારણે આ ફેસ્ટિવ આહાર પ્રેમીઓને સ્વાદની સંતૃપ્તિનો અનુભવ કરાવશે.
આહારના રસિયાઓ વિવિધ પ્રકારની સંખ્યાબંધ વાનગીઓના સ્વાદનો નવતર અનુભવ માણી શકશે. મેક્સિકનથી લઈને ચાઈનિઝ અને ઈટાલિયનથી લઈને ભારતીય વ્યંજનોને આવરી લેતા ફેસ્ટિવના મેનુમાં દુનિયાભરની શ્રેષ્ઠ વાનગીઓને આવરી લેવાઈ છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં સ્વાદના રસિયાઓ અવનવા વ્યંજનોનો સ્વાદ માણવાની સાથે સાથે જ આહલાદક સંગીતની મજા માણી શકશે. આ ઉપરાંત તેમાં બાળકો ઉપરાંત મોટેરાઓ માટે વન મિનિટ ઈટિંગ ગેમ્સનું પણ આયોજન કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે