Gujarat Election 2022, ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપીને રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સ્પષ્ટતા કરીને કહ્યું મારી ભાવના સર્વ ધર્મ સમભાવની હતી. ભાજપે આ ક્લીપ વાયરલ કરી છે.
રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું કે, મેં પૂછ્યું હતું કે અલ્લાહ હું અકબર બોલાવું તો તમે મહાદેવ હર બોલશો. સામે બેઠેલી 5 હજાર જનતાએ મહાદેવ હરનો નાદ બોલાવ્યો હતો. હું હિન્દૂ-મુસ્લિમ એકતા ઇચ્છુ છું. પરંતુ ભાજપ દ્વારા આ કલીપ વાયરલ કરવામાં આવી રહી છે. આખી સ્પીચ સાંભળજો મારો કહેવાનો અર્થ શું છે તે ખબર પડી જશે.
ઈન્દ્રનીલ રાજગુરૂએ એવું પણ કહ્યું હતું કે, લોહી કાઢો ત્યારે બધું એક જ હોય છે, એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે.
નોંધનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે મોટા વિવાદની શક્યતા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.
ઇન્દ્રનીલ રાજ્યગુરુનાં વિડિયો પર અનુરાગ ઠાકુરનું નિવેદન
ચૂંટણી આવે છે તો કોંગ્રેસના નેતા મંદિર જાય છે, જનોઈ દેખાય છે પણ આ વિચાર એમનો નથી. એમની જીતી છે અંગ્રેજોની માનસિકતા. ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવે છે. પણ લોકોએ મન બનાવી લીધું છે કે ભાજપને જીતાડવાનો છે.
કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલા નિવેદન પર અનુરાગ ઠાકોરે જવાબ આપતા કહ્યું કે, એક સમયે જે રામ મંદિરનો વિરોધ કરતા હતા, સોમનાથનો જીર્ણોધાર નહોતા કરવા માંગતા, કેદારનાથમાં જ્યારે આપદા આવી ત્યારે પણ હાથ ઊંચા કર્યા આ એ જ કોંગ્રેસ પાર્ટી છે, મોદીજીના આવ્યા બાદ દિવ્ય સોમનાથ, કાશી, કેદારનાથ અને હવે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. ભાજપ એના ગૌરવશાળી ઇતિહાસની યાદ રાખે છે અને આગળ વધારે છે.
ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજ નિવેદન
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલા નિવેદન મામલે ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઈરાદાપૂર્વક મુસ્લિમ સમાજને ખુશ કરવા માટે નિવેદનબાજી કરી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બંને કોમના લોકોની લાગણી દુભાવી છે. તેમણે જે વાત કરી, એનાથી કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. જે વાત શક્ય જ નથી એ વાત શક્ય બનાવવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દર વખતે આક્ષેપ કરતી હતી કે, ભાજપ દર વખતે ચૂંટણીમાં ધર્મના નામે વોટ માંગે છે પણ આજે કોંગ્રેસ ધર્મના નામે ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે તે સ્પષ્ટ થયું છે. સોમનાથમાં અલ્લાહના દર્શનની જે તેમણે વાત કરી એ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે. મોહમ્મદ ગજનવીએ અનેક વખત સોમનાથને લૂંટ્યું હતું પરંતુ દેશ આઝાદ થયા બાદ સરદાર પટેલે મંદિરનો જીર્ણોદ્ધાર કર્ય. આજે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને મોટી કરનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે આ વિશે જણાવ્યું હતું કે, આ હિન્દુ સમાજ માટે સૌથી આઘાતજનક વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે