અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019 નજીક આવી રહી છે જેને લઇ ગુજરાતના રાજકારણ ગરમાવો આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસમાં જોડતોડની નીતિ શરૂ કરી દેવામાં આવી હોય તેમ જોવા મળી રહ્યું છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ શકે છે. જેમાં અલ્પેશ ઠાકોર, ડૉ. કિરીટ પટેલ, લલિત વસોયા જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ શકે છે તેવી ચર્ચાઓએ ગુજરાતના રાજકારણમાં જોર પકડ્યું છે.
વધુમાં વાંચો: ધર્મની બહેનને છરી બતાવી યુવકે કર્યા અડપલા, પ્રેમસંબધ બાંધવા કર્યું દબાણ
લોકસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં એકબીજાના સભ્યો તોડવાની કવાયત શરૂ થઇ ગઇ છે. ત્યારે રાધનપુરના કૉંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના સર્વેસર્વા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ મોવડીમંડળથી લાંબા સમયથી નારાજ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે. અલ્પેશ ઠાકોરની સાથે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ સંસદીય સચિવ બનાવાઈ શકે છે.
ત્રણેક દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં ધામા નાખ્યા હતા. ઉપરાંત ઠાકોર સેનાના કાર્યકરોએ રાધનપુરમાં સર્વે કરાવી લોકોનો મત જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો. જાન્યુઆરીમાં અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી ત્યારથી જ એવી વાતો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે. હવે આ વાતને વેગ મળ્યો છે.
વધુમાં વાંચો: હાલોલમાં 17 વર્ષની સગીરા પર 3 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
તો બીજી બાજુ પક્ષ પલટા મામલે પાટણ કોંગ્રેસ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હું ભાજપમાં જોડાઇશ તે માત્ર અફવા છે. મને પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકીઓ મળી રહી છે. મને મિનિસ્ટર બનાવવાની લાલચ અપાઇ રહી છે. પરંતું પ્રજાએ વિશ્વાસ મૂકી મને મત આપ્યો છે હું તે વિશ્વાસ નહીં તોડુ. હું ભાજપમાં જોડાવવાનો નથી.
વધુમાં વાંચો: સુરતના 54 વિદ્યાર્થીઓ નહીં આપી શકે બોર્ડની પરીક્ષા, વાલીઓમાં ભારે રોષ, કરી તોડફોડ
જ્યારે ધોરાજીના ધારાસભ્યએ પણ પક્ષ પલટાની વાતને નકારતા કહ્યું હતું કે, આત્મહત્યા કરવા તૈયાર છું પણ ભાજપમાં જોડાઇ નહીં. વધુમાં તેમણે મોટુ નિવેદન આપતા જણાવ્યું કે, મને પાર્ટીએ આદેશ કર્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણી લડવાની છે. ત્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ પણ ભાજપમાં જોડાવવાની વાતને નકારી છે. અને કહ્યું હતું કે, ભાજપ મુખ્યમંત્રી બનાવે તો પણ હું ભાજપમાં નહીં જાઉં. અમે માત્ર પ્રજાના કામ માટે ચૂંટાયેલા છીએ.
વધુમાં વાંચો: કાલુપુરના સ્વામી પરણિત મહિલાને લઇને ફરાર થતા પરિવારના સભ્યોનો હોબાળો
તો બીજી બાજુ, લોકસભા ચૂંટણી અને ગુજરાતના રાજકારણના ગરમાવાને લઇ હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પટેલ જામનગરથી લોકસભા ચૂંટણી લઇ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે