ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. ગુજરાતમાં તો કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી તો દેશમાં સળંગ ત્રણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ સિવાય અનેક રાજ્યોમાં પણ છેલ્લા 10-15 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારી રહી છે. તેવામાં હવે પાર્ટી હાઈ કમાન્ડ નવી રણનીતિ બનાવવા પર કામ કરી રહ્યું છે. આ વચ્ચે દેશભરના 700 જિલ્લા અધ્યક્ષોને પાર્ટીએ દિલ્હી બોલાવ્યા છે.
કોંગ્રેસની નવી રણનીતિ
લોકસભા ચૂંટણી 2024 અને ત્યારબાદ હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટી નવી રણનીતિ બનાવવાનો પ્લાન બનાવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પણ તેવા સંકેતો આપ્યા હતા. કોંગ્રેસ દ્વારા 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હી બોલાવ્યા છે. વર્ષો બાદ કોંગ્રેસ પાર્ટી આ રીતે એક્શનમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો- ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો સંસદમા પહોંચ્યો, રાજસ્થાનના સાંસદે કરી CBI તપાસ
કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં યોજાનારી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સંગઠન મજબૂત કરવા માટે વિચારી રહી છે. ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના 700 જિલ્લા અધ્યક્ષો સાથે ત્રણ દિવસની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાવાની છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠાનત્મક માળખાને અમલમાં મુકવાનો છે. પાર્ટીને પાયાના સ્તરેથી મજબૂતી મળે તે માટે હાઈકમાન્ડ દ્વારા પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગુજરાતમાં પણ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે. તેવામાં રાહુલ ગાંધી પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવાના પ્રયાસ કરી રહ્યાં છે. અમદાવાદમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે પાર્ટીમાં જે ગદ્દારો છે તેને બહાર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે