ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ધારીની વિવાદિત કોલેજની દરખાસ્ત મુકવામાં આવી છે. આગામી 2 ઓગષ્ટના મળનારી આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM)માં ગેરકાયદેસર ચાલતી કોલેજને દંડ ફટકારી કાયદેસર કરવાનો કારસો રચવામાં આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે આ કોલેજ અંગે તપાસ કરવા અનેક વખત પત્ર વ્યવહાર કર્યા પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ ગાંઠતા નથી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ઝી 24 કલાકે કર્યો હતો.
આ કૌંભાડ 20 વર્ષ થી આચરવામાં આવી રહ્યું છે. આ કૌંભાડ દરમિયાન 4 શિક્ષણમંત્રીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં 8 કુલપતિઓ કાર્યકાળ પૂર્ણ કરી ચુક્યા છે. કૌંભાડનાં મૂળમાં જતા પહેલા જણાવી દઇએ કે, આ કૌંભાડ રાજકોટનાં જ્યુબેલી ચોકમાં આવેલા રમણીક હાઉસની ઓફિસ નં 11માં ચાલતા વિશ્વભાષા અને સાહિત્ય ભવન-રાજકોટ ટ્રસ્ટમાંથી ઉદ્દભવ્યું હતું. જેનાં પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટરમાં નોંધાયેલા ટ્રસ્ટીઓમાં યશવંત માવજી જનાણી, સુધિરભાઇ જોષી, ધીરૂભાઇ સાગર, બિપીનચંદ્ર ગાંધી, મધુભાઇ બારભાયા, દિનેશ વિઠલાણી, કાંતિલાલ મોહનલાલ માવાણી, શ્યામાબેન જન્મશંકર અંતાણી હતા. તેમ છતાં પણ બોગસ ટ્રસ્ટી તરીકે પ્રવિણભાઇ હરિપ્રસાદ ભટ્ટે કૌંભાડને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌંભાડને તેની જ કોલેજનાં પૂર્વ આચાર્ય રાજેશ આચાર્યએ આર.ટી.આઇમાં માહિતી મેળવીને ઉજાગર કર્યું હતું. જોકે આ કૌભાંડ સામે આવ્યાના ત્રણ વર્ષ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાને બદલે BOMમાં મંજૂરી આપવાનો કારસો ઘડ્યો છે. હાલ આ કોલેજનું સંચાલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા કોલેજના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના ભાઈ પ્રવિણસિંહ ચૌહાણ કરી રહ્યા છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સહિત BOMના સભ્યો ગેરકાયદે કોલેજને કાયદેસર કરવા મથામણ કરી રહ્યા છે.
શું છે કૌંભાડનો ઘટના ક્રમ ?
- તા. 19 ઓગષ્ટ, 2004નાં વિશ્વભાષા અને સાહિત્ય ભવન-રાજકોટનાં ટ્રસ્ટના બોગસ લેટરપેડ આઘારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજની જોડાણ માટે અરજી કરાઇ.
- બોગસ લેટરપેડ પર બોગસ ટ્રસ્ટી બન્યા પ્રવિણભાઇ એચ. ભટ્ટ.
- તા. 15 ઓક્ટોબર, 2004નાં કૌંભાડ આચરવા પ્રવિણભાઇ ભટ્ટે વિશ્વભાષા અને સાહિત્ય ભવન-રાજકોટ જેવા જ ભળતા નામે અમરેલી ચેરીટી કમિશ્નરમાં નવું ટ્રસ્ટ નોંઘાવ્યું જેનું નામ છે વિશ્વભાષા અને સાહિત્ય પરિષદ-ધારી.
- તા. 8 મે, 2005નાં વિશ્વભાષા અને સાહિત્ય ભવન-રાજકોટ ટ્રસ્ટના નામનો બોગસ ઠરાવ નં 13 બનાવ્યો જે ઠરાવ પર સમગ્ર કૌંભાડ આચર્યું.
- તા. 13 મે, 2005નાં વિશ્વભાષા અને સાહિત્ય ભવન -રાજકોટ ટ્રસ્ટનાં બોગસ ડોક્યુમેન્ટના આઘારે જોડાણ મેળવવામાં આવ્યું. જેના આઘારે ધારાની સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં 12 લાખ રૂપીયાની ફિક્સ ડિપોઝીટ કરવામાં આવી જેનો હિસાબ વિશ્વભાષા અને સાહિત્ય પરિષદ-ધારી ટ્રસ્ટમાં દર્શાવ્યો.
-તા. 15 મે, 2005નાં પ્રવિણભાઇ ભટ્ટે રૂ. 50નાં સ્ટેમ્પ પેપર પર કોલેજ કમિટીનાં અધ્યક્ષ છે તેવું ખોટીરીતે જાહેર કર્યું.
- તા. 17 જાન્યુઆરી, 2006નાં બન્ને ટ્રસ્ટનાં અંદરો-અંદરનાં ઉભા કરેલા પત્રવ્યવહારો અને ઠરાવને બિડાણ તરીકે લઇ કોલેજને ભળતા નામનાં ટ્રસ્ટમાં ટ્રસ્ટ-ટુ-ટ્રસ્ટ ટ્રાન્સફર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલસચિવને અરજી કરવામાં આવી.
- તા. 21 માર્ચ, 2006નાં રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાનિક તપાસ સમિતી(એલ.આઇ.સી)ની ભલામણનાં આધારે કોલેજને ટ્રસ્ટ ફેરફારની મંજૂર કર્યાની જાણ કરતો પત્ર બન્ને ટ્રસ્ટની નકલ એક જ જગ્યાએ મોકલવામાં આવી.
- તા. 6 જૂન, 2006નાં વિશ્વભાષા અને સાહિત્ય પરિષધ-ધારી ટ્રસ્ટે કોલેજનો વહિવટ સંભાળી લીધો હોવાની રાજ્ય સરકારને પત્ર લખી જાણ કરી.
- તા. 14 ઓગષ્ટ, 2012નાં રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગનાં સેક્શન અધિકારીએ કોલેજનું સંચાલન કોની પાસે છે ? તેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સ્પષ્ટતા માંગી. સરકાર તરફ થી ટ્રસ્ટ ટુ ટ્રસ્ટ ફેરફાર બાબતે કોઇ નિર્ણય નહિં લેવાયાનું પત્રમાં જણાવ્યું.
- તા. 12 જૂલાઇ, 2013નાં શિક્ષણ વિભાગ અને તા. 26 ઓગષ્ટ, 2013નાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પત્રોની સુચના મુજબ, જે-જે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા. તેના બદલે અન્ય પ્રકારનાં જ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા.
- તા. 10 સપ્ટેમ્બર, 2021નાં કોલેજનાં પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય દ્વારા સ્થાનિક તપાસ કમિટીનાં સભ્યો મારફતે કુલપતિ ડો. નિતીન પેથાણી સુધી કૌંભાડની વિગતો મોકલવામાં આવી.
- તા. 25 ઓક્ટોબર, 2021નાં કુલપતિ ડો. નિતીન પેથાણી અને ડે. રજીસ્ટ્રારને રૂબરૂ મળી કૌંભાડ થી અવગત કરાયા.
- તા. 24 મે, 2022નાં રાજ્યનાં શિક્ષણ વિભાગનાં મંત્રી જીતુ વાઘાણીને પૂર્વ ઇન્ચાર્જ આચાર્યએ સમગ્ર કૌંભાડ થી અવગત કર્યા.
- તા. 6 જૂન, 2022નાં શિક્ષણ મંત્રી કાર્યાલયે જાવક નં. 3738 થી શિક્ષણ વિભાગને જાણ કરી.
- કૌંભાડની જાણ શિક્ષણ વિભાગને થતા જ કૌંભાડીયાઓએ કોલેજને ઘારી થી બાબરા સ્થળ ફેરફાર કરવા તા. 10 ફેબ્રુઆરી, 2022નાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અરજી કરતા ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ સિન્ડીકેટ બેઠકમાં અધ્યક્ષ તરીકે મંજૂરી આપી કૌંભાડ છાવર્યું.
- સરકારે કૌભાંડ ઉજાગર થયા પછી તપાસના આદેશ આપ્યા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માત્ર લીગલ કમિટી બનાવવાનું નાટક કર્યું અને મંજૂરી માટે BOMમાં મૂકી કૌભાંડ પર પડદો ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે