ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કુલ પોઝિટિવ કેસનો આંકડો 7403 પર પહોંચી ગયો છે. તો અમદાવાદ (Ahmedabad) માં 269 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં પરિસ્થિતિ ભલે ભયજનક હોય, પરંતુ રાહતના એક સમાચાર એવા છે કે, અમદાવાદમા કેસના આંકડામાં ઘટાડો પણ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસના આંકડા પર નજર કરીએ તો આંકડામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેન્સર હોસ્પિટલમાં 60થી વધુ ડોકટર-નર્સોને કોરાના
અમદાવાદમાં આવેલી કેન્સર હોસ્પિટલના અત્યાર સુધી 60થી વધુ ડોકટર અને નર્સિંગના કર્મચારીઓ કોરોનાના શિકાર થઈ ચૂક્યા છે. આજે એક સાથે 22 જેટલા ડોકટરો, નર્સિંગ અને અન્ય કર્મચારીઓ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
છે. ડોક્ટરો, નર્સ, લેબ ટેક્નિશિયન, સફાઈકર્મીઓ, ડેટા ઓપરેટર્સ, એચઆર, સિક્યોરિટીના કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શરૂઆતમાં તમામને કાપડના માસ્ક અપાયા અને હોસ્પિટલ તરફથી સતત બેદરકારી થઈ રહી હોવાના કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતા. ડોકટર, નર્સ સહિત તમામના રિપોર્ટ પોઝિટિવ આવતા કેન્સર હોસ્પિટલની સ્થિતિ ગંભીર બની છે. 60 કેસથી કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડ્યાની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઉભા થયા છે. કેન્સર હોસ્પિટલના કર્મચારીઓ અને તેમના પરિવારજનો હવે ચિંતિત બન્યા છે.
DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે
સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓ પણ ચિંતામાં
કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા અને છેલ્લા 15 દિવસમાં સારવાર કરાવીને ઘરે ગયેલા દર્દીઓ માટે પણ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ કાર્યરત તમામ કર્મચારીઓના કોરોનાના રિપોર્ટ કઢાવવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે. કેન્સર હોસ્પિટલમાં જે રીતે સતત કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યા છે તે રીતે હોસ્પિટલ કેટલાક સમય બંધ કરવી પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્સર હોસ્પિટલમાં 500 બેડની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ શરૂ કરાઇ છે, ત્યારથી જ સતત કાર્ય પદ્ધતિ પર સવાલ ઉઠી રહ્યા છે.
ગુજરાત સરકારની ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત, મજૂર કાયદામાં સુધારો કર્યો
ખાનગી ક્લિનિક ખોલવાના આદેશને મેડિકલ એસોસિયેશને વખોડ્યો
તો બીજી તરફ, અમદાવાદમાં ખાનગી દવાખાના, ક્લિનિક અને નર્સિંગ હોમ ખોલવાના આદેશ કરાયા છે. ત્યારે સરકારના આદેશને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત બ્રાન્ચે વખોડ્યો છે. ACS ડો.રાજીવકુમાર ગુપ્તા દ્વારા ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરોને આદેશ કરાયો હતો. ખાનગી ડોકટરોને કરાયેલા આદેશનો ગુજરાત બ્રાન્ચે સખત વિરોધ કર્યો છે. ખાનગી ડોકટરોને કરાયેલા આદેશને મનસ્વી, જોહુકમી અને આપખુદ રીતે ડોકટરોના લાયસન્સ રદ્દ કરવાની વાતને સરકારી અધિકારીઓ તરફથી અપાયેલી ધમકી ગણાવી છે. અધિકારીઓની જોહુકમી વાતાવરણ ડહોળતું હોવાનું ગુજરાત બ્રાન્ચે જણાવ્યું છે. અધિકારીઓના તઘલઘી નિર્ણય અને આયોજન ગુજરાતને મુશ્કેલીમાં મૂકશે. આ પ્રકારના તાનશાહી નિર્ણયને અમે સ્વીકારતા નથી તેવુ તેઓએ જણાવ્યું છે.
105 હોટલમાં થશે કોરોનાની સારવાર
અમદાવાદ શહેરની ખાનગી હોટલોમાં કોરોના બેડ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. ગઈકાલના આદેશ બાદ amcએ હોટલોની યાદી જાહેર કરી છે. Amcના વિવિધ ઝોનના સ્ટાફની હોટલ મુજબ નિમણુંક પણ કરાઈ છે. ખાનગી હોટલમાં કોવિડ કેર સેન્ટર તરીકે રૂમોનો ઉપયોગ કરાશે. 105 હોટેલના 3195 બેડ ઉપયોગમાં લેવાશે.
અમદાવાદ ગ્રામ્યના કેસોમાં પણ વધારો
તો બીજી તરફ, અમદાવાદ ગ્રામ્યના કેસોમાં પણ વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. આજે ધોળકા બાવળા અને સાણંદમાં કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યા વધતાં જિલ્લા વહિવટી તંત્ર આકરા પગલા લેશે તેવુ જણાવ્યું છે. નગરપાલિકા વિસ્તારોને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાશે. ધોળકા, બાવળા અને સાણંદ નગરપાલિકાને માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર થઈ શકે છે. અમદાવાદથી ગ્રામ્ય વિસ્તારમાં જતા અને ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરી વિસ્તારમાં આવતા લોકોનું સઘન ચેકિંગ થઇ રહ્યું છે. રોજના 20 હજાર લોકો અપડાઉન કરી રહ્યાં છે, જેમના પર જિલ્લાપંચાયત તંત્રની ચાંપતી નજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે