ઝી મીડિયા/બ્યૂરો :‘બસ આ હોમ ક્વૉરન્ટાઇનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી હોસ્પિટલે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જવું છે, એ પણ બમણા જોશથી...’ કામ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારીથી ભારોભાર છલકાતા આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ. નિધિ છૈંયાના. મૂળ ઉપલેટાનાં ડૉ. નિધિ સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, આઇસોલેશન વૉર્ડમાં ડ્યુટી વખતે અન્ય ચાર આરોગ્યકર્મીઓની સાથે ડૉ. નિધિનો COVID-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હાલ તેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
ધારપુર મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ બાદ છેલ્લા છ મહિનાથી જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે જોડાયેલા ડૉ. નિધિને જનરલ મેડિસિન વિભાગમાં ફરજ સોંપવામાં આવી હતી. બેચવાઇઝ રોટેશન પ્રમાણે તા. 1 મેથી 15 મે સુધી તેમની ડ્યૂટી આઇસોલેશન વોર્ડમાં હતી. 16મી મેના રોજ ડ્યૂટી બાદ તેમણે ઘરે જવાનું નક્કી કર્યું હતું, પણ એ પહેલાં સૉર થ્રટની સમસ્યા જણાતાં તેમનું સેમ્પલ લેવાયું અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતાં લાંબા સમય બાદ પરિવારને મળવાના આંખે આંજેલા અરમાન પર જાણે ગ્રહણ લાગ્યું.
COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ સમયની પોતાની મનોસ્થિતિ વિશે વાત કરતાં ડૉ. નિધિ જણાવે છે કે, ‘પહેલા પાંચ મિનિટ માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ હતી. પછી ધીમે-ધીમે હિંમત આવી કે મેં પણ અનેક દર્દીઓની સારવાર કરી છે અને એ જ રીતે મારી સારવાર થશે. આમ પણ સારવાર કરનારા લોકો મારા હોસ્પિટલ પરિવારના લોકો જ છે ને. જો હું એકલી હોત તો ખબર નહીં હું આ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરત, પણ હોસ્પિટલના આર.એમ.ઓ., મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તથા સ્ટાફના મેન્ટલ અને સાઈકોલૉજિકલ સપોર્ટથી મારી ચિંતા હળવી થઈ ગઈ.’
ગત તા. 18મી મેથી દાખલ થયા બાદ 10 દિવસની સારવાર લઈને તા. 27 મેના રોજ ડિસ્ચાર્જ થયા બાદ ડૉ. નિધિ હાલ તેમના વતન ઉપલેટા ખાતે હૉમ ક્વૉરન્ટાઈન છે. હકારાત્મક અભિગમથી ભરપૂર ડૉ. નિધિ જણાવે છે કે, ‘હોમ ક્વૉરન્ટાઇનનો સમય પૂર્ણ કરીને હું ફરી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવામાં જોડાઈ જઈશ. મને એક ફાયદો એ થશે કે હવે હું દર્દીઓને એવી સાંત્વના આપી શકીશ કે, હું પણ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ જીવન જીવી રહી છું અને તમે પણ મારી જેમ બહુ ઝડપથી સ્વસ્થ થઈ જશો.’
ફેસ માસ્ક, હેન્ડ સેનેટાઈઝરના ઉપયોગ અને સામાજિક અંતર જાળવવાની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાની અપીલ સાથે એક તબીબ તરીકે ડૉ. નિધિ જણાવે છે કે, ‘કોરોના વાયરસના પ્રતિકાર માટે કોઈ રસી કે દવા શોધાઈ નથી, ત્યાં સુધી આયુર્વેદિક ઉકાળા અને અન્ય ઉપચારો દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો, એ જ અત્યારે તો કોરોના વાઇરસ સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય છે.’
આઇસોલેશન વોર્ડમાં ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ અને પી.પી.ઈ. કિટથી સજ્જ હોવા છતાં COVID-19 પોઝિટિવ દર્દીઓ સાથે સૌથી વધુ સંપર્કમાં આવવાના કારણે ફરજ પરના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને પણ ઇન્ફેક્શનનું જોખમ હોવા છતાં, ફરજને સૌથી ઉપર ગણી આ ફ્રન્ટલાઇન વૉરિયર્સ રાતદિવસ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
કોરોના મહામારીના આ કપરા કાળમાં ફરજ દરમિયાન સંક્રમણ અને સારવાર બાદ સ્વસ્થ થઈ ફરી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે તત્પર માત્ર 29 વર્ષનાં યુવાન ડૉ. નિધિ જેવાં અનેક ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સની ફરજ પ્રત્યેની નિષ્ઠા દેશના ઉજ્જવળ ભવિષ્યમાં સીમાચિહ્નરૂપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે