Nitin Patel's 68th birthday: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલનો આજે 68મો જન્મ દિવસ છે, ત્યારે કડીમાં 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા દશબ્દી મહારક્તદાન કેમ્પ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો રજતતુલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ જ્યારે સ્ટેજ પરથી લોકોને સંબોધી રહ્યા હતા, ત્યારે નીતિન પટેલને બરાબરના ભેરવ્યા હતા. એક સમયે હસતા હસતા નીતિન પટેલે તો બે હાથ જોડી દીધા હતા, તે વખતે CM ભૂપેન્દ્ર પટેલ પોતાની હસી રોકી શક્યા નહોતી અને ખળખળાટ હસી પડ્યા હતા.
સી.આર પાટીલે સભામાં હાસ્યનું મોજું ફેરવ્યું
નીતિન પટેલના જન્મદિવસ પર રજત તુલાના કાર્યક્રમમાં સી.આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવે સંકલ્પ કરો કે આ વખતનો સંકલ્પ તો શુભેચ્છકોનો હતો, પરંતુ આવતા વર્ષે નીતિનભાઈ પટેલનો જન્મદિવસે સુવર્ણતુલા એ પોતે કરે, એ સુવર્ણતુલા આખા રાજ્ય અને સેવાભાવી સંસ્થાઓને એનું દાન કરે એવો સંકલ્પ આજે આપણે એમની પાસે લેવડાવીએ. મને વિશ્વાસ છે કે નીતિનભાઈ પટેલ આ સંકલ્પ પુરો કરવા માટે પુરતો પ્રયત્ન કરશે. ખુબ વ્યસ્તતાના કારણે અમે પહેલાથી કહ્યું હતું કે એમને એક કલાકમાં છૂટા કરજો, પરંતુ અહીં આવ્યા પછી તો ચક્કરમાંથી બહાર નીકળવું એ તો આપણા હાથમાં હોતું જ નથી. મુખ્યમંત્રીએ પણ નીતિનભાઈને વિનંતી કરી કે સરકારની મીટિંગ ચાલું થઈ ગઈ છે ત્યારે અમને તક આપી, પહેલા બોલવાની તક આપી એના માટે નીતિનભાઈનો આભાર... આપ સૌ પણ આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો નીતિનભાઈને શુભેચ્છા આપવા માટે...
નીતિનભાઈ કહે છે કે મારું વજન ઓછું છે પરંતુ 65ના બદલે 71 કિલો ચાંદી...
આ સંબોધન દરમિયાન સીઆર પાટિલે નીતિનભાઈને બરાબર ભેરવ્યા હતા અને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પાટિલે કહ્યું કે, નીતિનભાઈ કહે છે કે મારું વજન ઓછું છે પરંતુ 65ના બદલે 71 કિલો ચાંદી આપે છે. ત્યારે પાટિલે હસતા હસતા જણાવ્યું હતું કે, નીતિનભાઈ 100 કિલો તો આપવી જ જોઈએ. એ તમને શોભે નહીં, 71 કિલો...100 કિલોનું કંઈક કરો..ચાલશે ને 100 કિલો... કે વધારે જોઈએ...બોલતા પણ નથી.. નીતિનભાઈને એટલા ના ગભરાવો, આટલેથી તેમને ચહેરા પણ નહીં દેખાય.. ત્યારે ફરી પાટિલે કહ્યું કે 100 કિલો ચાલશે કે વધારે જોઈએ..ત્યારે પાટિલે કહ્યું કે ચલો ચલાવી લઈએ 100 કિલો... ત્યારે સ્ટેજ પરથી કોઈ બોલે છે કે આઝાદીના 75 એ 75 કહી દો... ત્યારે પાટિલે જણાવ્યું કે, ના ભાઈ પોણો બોણો નહીં ચાલે...આખું જ જોઈએ. વિનોદભાઈ તમે આટલી બધી નીતિનભાઈની પ્રશંસા કરી ગયાને અને હવે 25 કિલો માટે કંજૂસાઈ ના કરો. 100 કિલો પુરી આપી દો. ત્યારબાદ પાટિલે કહ્યું કે, નીતિનભાઈને ખુબ ખુબ શુભેચ્છા... હેપ્પી બર્થ ડે નીતિનભાઈ.. આપ સૌને પણ ખુબ ખુબ અભિનંદન.. જય જય ગરવી ગુજરાત.. ભારત માતા કી જય...
રજતતુલા કાર્યક્રમનું આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલના જન્મદિવસ પર વર્ષ 2014થી સતત 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં નવ રક્તદાન કેમ્પ યોજાઈ ચૂક્યા છે. આજે 2023ની સાલમાં રક્તદાન શિબિરના 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ અને રજતતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમને દિપાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને નીતિન પટેલને શુભેચ્છા પાઠવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે