જમીલ પઠાણ/ છોટાઉદેપુર: તસવીર જોઈને ત્યાં જવાનું અને ધોધ નીચે ઉભા રહીને મઝા માણવાનું મન થાય... જોતા વેંત જ પૂછવાનું મન થાય આ ક્યાં આવેલું છે. તો આવો તમને જણાવી દઇએ કે, આ નયન રમ્ય આહલાદક કુદરતી ધોધ જ્યાં આવેલો છે તે કદાચ અત્યાર સુધી તેના વિશે પ્રવાસન વિભાગ કે અન્ય ફરવા લાયક સ્થળોમાં તેનું નામ સુદ્ધા જોવા નહીં મળે.
આ સુંદર આહલાદક નયન રમ્ય કુદરતી વહેતા ધોધનો નજારો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો છે. નસવાડીથી 30 કિલોમીટરના અંતરે ડુંગરો વચ્ચે આવેલા ધાર સિમેલ ગામ પાસે આ ધોધ વહી રહ્યો છે. કુદરતની કૂખમાં ચારેબાજુ લીલી ચાદર ઓઢી પથરાયેલા ડુગરો વચ્ચે જાણે સોળે કળાએ ખીલી ઉઠેલા કુદરતી સૌંદર્યથી ભરપુર અને તેમાં સોને પે સુહાગાની જેમ વધુ એક સૌંદર્યની યશ કલગી ઉમેરતું 60 ફૂટ ઉંચાઇએથી નાવોઢાની જેમ અંગળાઈઓ લઇને નીચે પડતા ઝરણાની આ દ્રશ્યો જોતા જ ત્યાં જવાનું મન થઈ જાય તેવું છે.
આ પણ વાંચો:- રાત્રી કરફ્યૂમાં રાજ્ય સરકારે આપી છૂટછાટ, ગણેશોત્સવ અંગે લેવામાં આવ્યો આ નિર્ણય
છેલ્લા બે દિવસથી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સતત અને અવિરત વહેતું આ ઝરણું અને પડતા આ ધોધને જોવા જવા માટે કોઈ માર્ગ જ નથી. નસવાડી તાલુકાના આસપાસના કેટલાક ગામોના લોકો ધારસિમેલના ઝરણાં વિશેની માહિતી છે તેવા રસિકો આવા મોસમમાં આ ઝરણાની મઝા માણવા કિલોમીટરો સુધી ડુંગરોના પગદંડી રસ્તાઓ ઉપર કલાકો સુધી ચાલીને પણ અહીં પહોંચી જતા હોય છે.
આ પણ વાંચો:- અલૌકિક જડીબુટ્ટીઓની ભંડાર છે આ ગિરિમાળા, લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન મહાદેવ
ત્યારે આવા સુંદર રમણીય સ્થળ ઉપર જવા માટેનો યોગ્ય રસ્તો બનાવવાની સાથે પ્રવાસીઓ માટેની જરૂરી સવલતો સાથે આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવું ઇચ્છી રહયા છે. વરસાદના મોસમમાં આવા સ્થળની મઝા ચોક્કસ માણવી જોઈએ પણ જ્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય તેવા સમયમાં આવા સ્થળે કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવા અને જોખમી સેલ્ફી ન લેવા અમારી અપીલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે