Gujarat Weather: નવા વર્ષ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે? શું કહે છે હવામાન વિભાગ અને શું કહે છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી જાણીએ વિગતવાર...વાત કરીએ અમદાવાદની તો છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં હાલ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ દિવાળીના તહેવારો આજથી શરૂ થઇ ગયા છે. ત્યારે સવાલ એ થાય કે શું દિવાળીના તહેવારમાં આડો આવશે વરસાદ?
ઉલ્લેખનીય છેકે, આજે અગિયારસ અને વાઘ બારસ છે. તો નવા વર્ષ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ અનુમાન લગાવવામાં આવ્યાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દિવાળીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વરસાદની સંભાવના નહીંવત હોવાનું જણાવાયું છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તી દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ થવાની સંભાવના નથી. હાલ વાતાવરણ ડ્રાય રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઇ શકે છે.
દિવાળીમાં કેવું રહેશે વાતાવરણ, શું કહે છે અંબાલાલ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત સર્જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના હવામાનને પણ તેની અસર થવાની શક્યતાઓ છે. દિવાળીના તહેવારોમાં અરબ સાગરનો ભેજ આવી શકે છે, આ સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. ડિસેમ્બર માસથી આની અસર વધી જશે. જેના લીધે વાદળવાયુની અસર વધારે થશે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ઠંડા રહેવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, રાજ્યના ડે ટેમ્પરેચરમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન થવાની સંભાવના છે. આ ઉપરાંતના વિસ્તારોમાં પણ વધારે ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે રાતનું તાપમાન એટલે મિનીમમ ટેમ્પરેચર પણ વધારે ફેરફાર થવાની સંભાવના નથી. રાતનું તાપમાન એકાદ ડિગ્રી વધી શકે છે અને જે પછી એકાદ ડિગ્રી ઘટી શકે છે. આગામી સાત દિવસમાં કોલ્ડવેવની કોઇ સંભાવના નથી.
એટલું જ નહીં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ એમ પણ જણાવ્યુંકે, અમદાવાદનું તાપમાન વધારે નીચું જવાની સંભાવના નથી. અમદાવાદનું લધુત્તમ તાપમાન 20 અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આગળના સાત દિવસોમાં પણ 19થી 21 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે.
વરસાદની કોઈ સંભાવના નથીઃ
હવામાન વિભાગે જણાવ્યુંકે, અપર લેવલમાં ઘણું ભેજ છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઇ શકે છે. કચ્છમાં આજે વાદળછાયું વાતાવરણ બની શકે છે પરંતુ વરસાદની કોઇ શક્યતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે